કાલોલના કંડાચ ગામની ગોમા નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેકટરને ખાણ ખનીજ વિભાગે ઝડપ્યુ

કાલોલ શહેર અને તાલુકા પંથકમાં ધમધમી રહેલા ગેરકાયદે રેતી ખનની પ્રવૃત્તિઓ મઘ્યે કંડાચ સ્થિત ગોમા નદીના વિસ્તારમાંથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી વહન કરી જતુ છ લાખના મુદ્દામાલ સાથે એક ટ્રેકટર ઝડપી પાડીને દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના બોરૂ ગામથી સગનપુરા સુધીના ગોમા નદીના પટમાં પાછલા ધણા સમયથી ગેરકાયદે રેતી ખનન કરતા ખનન માફિયાઓને ભેગા મળીને કોઈપણ જાતની પરમીશન વગર જેસીબી, ટ્રેકટરો, અને ટ્રકો દ્વારા ગેરકાયદેસર રેતીનુ ખનન કરીને વેપલો કરવાની પ્રવૃત્તિઓ બેફામ બની છે. પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે કાલોલ તાલુકાના દેલોલ કંડાચ પંથકમાં પેટ્રોલિંગ કરતા મોટાભાગના રેતી માફિયાઓની પ્રવૃત્તિઓ છુમંતર થઈ ગઈ હતી. પરંતુ કંડાચ સ્થિત ગોમા નદીના કાંઠા વિસ્તારમાંથી એક રેતી ભરીને વહન કરી જતુ ટ્રેકટર ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી લીધુ હતુ. જે રેતી ભરેલા ટ્રેકટર ચાલક પાસે કોઈ પાસ પરમીટ નહિ મળતા રૂ.6 લાખનો મુદ્દામાલ સહિત ટ્રેકટર ચાલકની પુછપરછને આધારે ટ્રેકટર માલિક ગજેન્દ્રભાઈ પરમાર(રહે.કંડાચ, તા.કાલોલ)વિરુદ્ધ ભુસ્તરિય ધારાધોરણ મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.