મોરવા(હ)તાલુકાના નલ સે જલ યોજનામાં ગેરરિતી સંબંધે તપાસ શરૂ કરાઈ

પંચમહાલ જિલ્લાના મોરવા(હ)તાલુકામાં નલ સે જલ યોજનામાં કોૈભાંડની તપાસનો દોૈર શરૂ કરાયો છે. ગાંધીનગરની આર્થિક ગુના નિવારણ શાખાની કચેરીને તપાસ સોંપાતા ટીમે ધામા નાંખ્યા છે.

પંચમહાલ જિલ્લાના મોરવા(હ)તાલુકામાં નલ સે જલ યોજનામાં થયેલા સંભવિત કોૈભાંડ અંગેની તપાસ હવે વધુ ઝડપી થઈ છે. તપાસના ભાગરૂપે આર્થિક ગુના નિવારણ શાખાએ અરજદારને નોટિસ પાઠવી છે. યોજનામાં થયેલા આક્ષેપિત અનિયમિતતા અને સંભવિત કોૈભાંડ અંગેના મુદ્દાઓને વધુ સ્પષ્ટ કરવા માટે તેમના નિવેદનની જરૂરિયાત હોવાનુ નોટિસમાં જણાવાયુ છે. સમગ્ર યોજનામાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે ગાંધીનગર સ્થિત આર્થિક ગુના નિવારણ શાખા, સીઆઈડી ક્રાઈમની કચેરી ખાતે દિન-3માં કચેરીના સમય દરમિયાન હાજર રહેવા સુચના આપી છે. આ નોટિસ બાદ ચકચાર મચી છે. સ્થાનિર સ્તરે નલ સે જલ યોજના હેઠળ થયેલા વિકાસ કાર્યોની ગુણવત્તા, ખર્ચ અને પ્રક્રિયાઓ અંગે અગાઉથી જ શંકાઓ ઉઠી રહી હતી. હવે તપાસમાં સમગ્ર કોૈભાંડના તાર ખુલવાની સંભાવના છે. તપાસ અધિકારીઓનુ માનવુ છે કે, જરૂરી દસ્તાવેજો અને જવાબદારીના મુદ્દાઓ પર પ્રકાશ પડવાથી કોૈભાંડના મુળ સુધી પહોંચવામાં મદદ મળશે. જો અનિયમિતતાઓ સાબિત થશે તો સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે કડક પગલા લેવાશે તેવી શકયતા છે.