
5 ઓક્ટોબરે માસ CL બાદ 7 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળનું એલાન, તલાટીઓના જોબચાર્ટથી લઈ બઢતી-બદલી અને સિનિયોરિટી સહિતના પ્રશ્નો મુદ્દે સરકાર સામે આંદોલન
ઝાલોદ સહિત સમગ્ર ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને આંદોલન તેજ બન્યું છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા રજૂ કરવામાં આવેલી 14 જેટલી માંગણીઓના ઉકેલની માંગ સાથે આજે તા.5 ઓક્ટોબરે માસ CLનું આયોજન કરવામાં આવ્યું છે. જો સરકાર દ્વારા માંગણીઓનો નક્કર ઉકેલ નહીં આવે તો તા.7 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની જાહેરાત કરવામાં આવી છે.
ઝાલોદમાં પણ આ આંદોલનની અસર જોવા મળી રહી છે. અગાઉ તા.1 સપ્ટેમ્બરે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી 14 પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓ દ્વારા બઢતી-બદલીમાં થયેલા અન્યાય, નાયબ મામલતદારની સિનિયોરિટી, મહેસૂલી તલાટીઓના જોબચાર્ટ અને વધતા કામના ભારણ સહિતના મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
મહેસૂલી કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં તલાટીઓના જોબચાર્ટમાંથી અન્ય વિભાગની કામગીરી દૂર કરવી, નાયબ મામલતદાર સંવર્ગની સિનિયોરિટી જાહેર કરવી, બઢતીના લાભ આપવા, 2023થી 2026 દરમિયાન થયેલી બદલીઓમાં થયેલા અન્યાય દૂર કરી મૂળ જિલ્લામાં નિમણૂક આપવી, જિલ્લા ફેરબદલીની પ્રક્રિયા પારદર્શક બનાવવી અને નાયબ મામલતદાર તથા મામલતદારની સીધી ભરતી પ્રક્રિયા બંધ કરવી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ક્લાર્ક અને મહેસૂલી તલાટી સંવર્ગની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવી, બાકી રહેલી ખાતાકીય પરીક્ષાઓનું આયોજન કરવું, PTA ભથ્થામાં વધારો કરવો, જનસેવા કેન્દ્ર માટે અલગ મહેકમ મંજૂર કરવું તથા ઈ-ધરા, Digital Gujarat, જનસેવા કેન્દ્ર અને OTP આધારિત કામગીરીના વધતા ભારણને ઘટાડવા જરૂરી વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે.
મહેસૂલી કર્મચારી સંગઠનના જણાવ્યા મુજબ કર્મચારીઓ દ્વારા અગાઉથી વિવિધ તબક્કે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પડતર પ્રશ્નોનો નક્કર ઉકેલ નહીં આવતા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના કાર્યક્રમ મુજબ તા.5 ઓક્ટોબરના માસ CL બાદ પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો તા.7 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
અનિશ્ચિત હડતાળ શરૂ થાય તો ઝાલોદ સહિત સમગ્ર જિલ્લામાં મહેસૂલી કચેરીઓ, જનસેવા કેન્દ્રો તથા જમીન અને પ્રમાણપત્રને લગતી વિવિધ કામગીરી પર અસર થવાની શક્યતા છે. હવે સરકાર દ્વારા કર્મચારીઓની 14 માંગણીઓ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.