ગુજરાત ભાડા વિષયક અધિનિયમ સામે ઝાલોદ બાર એસોસિએશનનો વિરોધ

સ્મોલ કોઝ કોર્ટ પાસેથી ભાડા સંબંધિત તકરારોના નિર્ણયની સત્તા દૂર કરી વહીવટી અધિકારીઓને સોંપવાના વિરોધમાં અચોક્કસ મુદત સુધી કોર્ટ કાર્યવાહીમાં અળગા રહેવાનો નિર્ણય.

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ગુજરાત ભાડા વિષયક અધિનિયમ, ૨૦૨૬ અંતર્ગત ભાડા સંબંધિત તકરારોના નિરાકરણની સત્તા સ્મોલ કોઝ કોર્ટ પાસેથી લઈ ભાડા સત્તાધિકારીઓને સોંપવામાં આવતી જોગવાઈના વિરોધમાં સમગ્ર ગુજરાતના વકીલોમાં વિરોધનો સુર ઉઠ્યો છે. આ જોગવાઈ હેઠળ એડીશનલ કલેક્ટર તથા ડેપ્યુટી કલેક્ટર જેવા વહીવટી અધિકારીઓને ભાડા સંબંધિત તકરારોના નિરાકરણની સત્તા આપવાના મુદ્દે વકીલ મંડળો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વકીલોના મતે, ભાડા સંબંધિત તકરારોના ન્યાયિક નિરાકરણની સત્તા જ્યુડિશિયલ ઓથોરિટી પાસેથી લઈ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીને સોંપવાથી વકીલો, પક્ષકારો તેમજ સામાન્ય નાગરિકોને અસર થવાની શક્યતા છે. આ જોગવાઈને લઈને છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વિવિધ બાર એસોસિએશનો દ્વારા કોર્ટની કામગીરીથી સ્વૈચ્છિક રીતે અળગા રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વર્ચ્યુઅલ અસાધારણ સભામાં સર્વાનુમતે ઠરાવ : સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા વિરોધને ધ્યાને લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તા. ૦૩/૧૦/૨૦૨૬ના રોજ વર્ચ્યુઅલ અસાધારણ સભા બોલાવવામાં આવી હતી. સભામાં ગુજરાત ભાડા વિષયક અધિનિયમ, ૨૦૨૬ની જોગવાઈઓને કારણે વકીલો તથા પક્ષકારોને પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ સર્વાનુમતે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્ણય અનુસાર આંદોલન અને કોર્ટ કાર્યવાહીને લગતી આગળની કાર્યવાહી અંગેનો ઠરાવ તમામ બાર એસોસિએશનોને મોકલવામાં આવ્યો છે. ઝાલોદ બાર એસોસિએશન દ્વારા પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આ નિર્ણયને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

અચોક્કસ મુદત સુધી કોર્ટ કાર્યવાહીમાં અળગા રહેવાનો નિર્ણય : ઝાલોદ બાર એસોસિએશન દ્વારા ગુજરાતના વકીલોની માંગણીઓ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્ણયને સમર્થન આપતા અચોક્કસ મુદત સુધી કોર્ટ કાર્યવાહીના કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિરોધના ભાગ‚પે કોર્ટના પ્રવેશદ્વારને બંધ રાખી વકીલો દ્વારા કોર્ટના નિયમિત કામકાજથી અળગા રહેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બાર એસોસિએશન દ્વારા બાર કાઉન્સિલના ઠરાવની નકલ નોટિસ બોર્ડ, કોર્ટના પ્રવેશદ્વાર તેમજ બાર એસોસિએશનના વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા ગ્રુપમાં પ્રદર્શિત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના અંદાજે ૨૧૨ બાર એસોસિએશનોના વિરોધને સમર્થન.

આ સમગ્ર મુદ્દે ગુજરાતમાં અંદાજે ૨૧૨ જેટલા બાર એસોસિએશનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું છે. ભાડા સંબંધિત તકરારોના નિરાકરણની સત્તા ન્યાયિક સંસ્થાઓ પાસેથી લઈ વહીવટી તંત્રને સોંપવાના નિર્ણય સામે વકીલોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.

૧૮૨ ધારાસભ્યોના મૌન સામે પણ નારાજગી : ગુજરાત ભાડા વિષયક અધિનિયમની વિવાદાસ્પદ જોગવાઈ અંગે ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો દ્વારા વિરોધ નોંધાવવામાં ન આવતા બાર કાઉન્સિલ તરફથી પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. વકીલોના પ્રશ્નો અને સામાન્ય નાગરિકોને પડનારી સંભવિત મુશ્કેલીઓ અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અવાજ ઉઠાવવો જોઈએ તેવી માંગ ઉઠી છે.

ઝાલોદ બાર એસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જ્યાં સુધી આ મુદ્દે યોગ્ય નિરાકરણ અથવા જ‚રી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આંદોલનને સમર્થન ચાલુ રાખવામાં આવશે.