ગોધરા વોર્ડ નં.-૯ ની મદીના સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રહિશોમાં રોષ

ગોધરા નગરપાલિકાના વોર્ડ નં.-૯માં આવેલી મદીના સોસાયટી નજીક વડોદરા હાઈવેના મુખ્ય ગેટ પર છેલ્લા ત્રણ દિવસથી ભુગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. સંબંધિત એજન્સી તેમજ પાલિકા તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં પરિસ્થિતિ યથાવત રહી છે.

આ સોસાયટીનો મુખ્ય માર્ગ આસપાસની અનેક સોસાયટીઓને જોડતો મહત્વનો રસ્તો છે. ગટરના પાણી ભરાઈ રહેતા સોસાયટીનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ થઈ જતાં લોકોને લાંબો ફેરો મારવાની ફરજ પડી રહી છે. ગંદકીની ભરમાર વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ વધતા વિસ્તારોમાં રોગચાળો ફેલાવવાની ભિતી સેવાઈ રહી છે. જેને લઇ સ્થાનિકોમાં ભય સાથે રોષ ફેલાયો છે. સ્થાનિક કાઉન્સિલ યાકુબ બકકર(તપેલી)એ જણાવ્યુ હતુ કે, સ્થિતિ અંગે જાણ કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યુ છે.