ઉદ્યોગોનો વિકાસ થાય અને સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે સરકાર દ્વારા જીઆઈડીસીની રચના કરવામાં આવે છે. પરંતુ મહિસાગર જિલ્લાના મહત્વના તાલુકા મથક બાલાસિનોરની 54 વર્ષ જુની જીઆઈડીસી હાલ જાણે કે રામ ભરોસે ચાલી રહી હોય તેવી સ્થિતિ છે. અહિં ઉદ્યોગકારોને એક પણ પ્રકારની પ્રાથમિક સુવિધા મળતી નથી.પરિણામે અડધા કારખાના બંધ થઈ જાય તેવી હાલત છે. ઉદ્યોગકારો દ્વારા જીઆઈડીસી તંત્ર અને સરકારને રજુઆતો કરી છે. પરંતુ સુવિધા આપવામાં તંત્ર ઉદાસીનતા વલણ દાખવી રહ્યુ છે.
બાલાસિનોરમાં વર્ષ-1971માં જીઆઈડીસીની સ્થાપના કરી હતી. જેમાં 60 જેટલા પ્લોટ ફાળવ્યા છે. હાલ અહિં 65 જેટલા નાના-મોટા એકમો ચાલે છે. જેમાં મિનરલ એટલે કે, પથ્થર, કેમિકલ, લાકડા અને લોખંડના કારખાનાનો સમાવેશ થાય છે. આશરે 500-600 જેટલા સ્થાનિક લોકોને અહિં રોજગારી મળે છે. જીઆઈડીસીને આગળ વધારીને બાલાસિનોરનો વિકાસ કરવાના બદલે આજદિન સુધીમાં જીઆઈડીસી તંત્ર કે સરકાર દ્વારા કોઈ ઘ્યાન આપ્યુ નથી. અહિંના રસ્તા અતિશય બિસ્માર છે. જેના પર વાહન ચલાવવુ મુશ્કેલ છે. ડ્રેનેજ લાઈનનુ નેટવર્ક નથી. પાંચેક વર્ષની અહિંની સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે રસ્તા ઉપર અંધારપાટ છવાય છે. સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. સરકારના વેરા અને ફીનો ચાર્જ વધતો જ જાય છે. તેની સામે સુવિધા મળતી નથી. પરિણામે કંટાળીને ઉદ્યોગકારો ધંધા-રોજગાર બંધ કરવા માંડ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર હાલ 25 થી 30 કારખાના બંધ થવામાં છે. 10 કારખાના તો સાવ બંધ જ થઈ ગયા છે. નવા ઉદ્યોગો લાવવાની વાતો તો દુર રહી, હયાત ઉદ્યોગોને જાળવવામાં પણ મુશ્કેલ છે.