જેકોટમાં માલગાડીનુ વેગન ખરી પડવાની ધટનામાં ૧૦ દિવસમાં રિપોર્ટ કરવા આદેશ

દિલ્હી-મુંબઈ રેલવે માર્ગમાં જેકોટ અને મંગલમહુડી રેલ્વે સ્ટેશન વચ્ચે ખાલી માલગાડી ડિરેલ થવાની ધટના બાદ રેલ્વેએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ માટે જુનિયર એડમિનીસ્ટ્રેટિવ ગ્રેડ(જીએજી)ના ત્રણ અધિકારીઓની ટીમ બનાવાઈ છે. આ ટેક્નિકલ કારણોની તપાસ કરશે. તેનો રિપોર્ટ ૧૦ દિવસમાં સોંપવા આદેશ કરાયો છે. પ્રાથમિક તપાસ બાદ આખી તપાસનુ ફોકસ ટેક્નિકલ પાસાઓ ઉપર કરાઈ રહ્યુ છે. આ ધટના સીધી રીતે ટ્રેક ફોલ્ટ કે સીએન્ડડબ્લ્યુની ટેક્નિકલ ભુલથી સર્જાઈ હોવાની આશંકા છે. જાણકારો મુજબ ટ્રેકમાં કોઈ ખામી હતી જેના કારણે ચારેય પૈડા પાટા પરથી ઉતરીને કે પછી વેગનની ટ્રોલી(જેમાં પૈડા લાગેલા હોય છે)તેના મેન્ટેનન્સમાં કોઈ ભુલ રહી ગઈ હોય શકે છે. રેલ્વે હવે સંબંધિત ટ્રેક અને વેગનનુ જુનુ મેન્ટેનન્સ શિડ્યુલ તપાસી રહ્યુ છે. ડીઆરએમ અશ્ર્વિનીકુમારે જણાવ્યુ હતુ કે, ધટનાની ગંભીરતાને જોતા તપાસ કરાવાઈ રહી છે. રિપોર્ટ બાદ અકસ્માતનુ અસલ કારણ સામે આવે તેમ છે.