જામવાડીમાં દિવ્યાંગ યુવક સાથે દુષ્કર્મનો આરોપ, ૫૮ વર્ષીય પિતાની ફરિયાદ બાદ એક શખ્સ સામે ગુનો નોંધાયો

જામનગર જિલ્લાના જામજાધપુર તાલુકાના જામવાડી ગામમાં જન્મથી દિવ્યાંગ ૨૮ વર્ષીય યુવક સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, યુવક રામજી મંદિરે આરતી કરવા ગયો હતો ત્યારે ગામના જ એક શખ્સે તેને બળજબરીથી અવાવરા મકાનમાં લઈ જઈ અયોગ્ય કૃત્ય આચર્યું હતું. આ ઉપરાંત, ઘટનાની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે રાજકોટના પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ પર રહેતા અને મૂળ જામવાડી ગામના વતની ૫૮ વર્ષીય બીપીનભાઈ જમનભાઈ ભડાણિયાએ જામજાધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તેમનો મોટો પુત્ર જન્મથી દિવ્યાંગ છે. તેને બોલવામાં મુશ્કેલી હોવાથી તે પરિવાર સાથે ઇશારા અને તૂટીફૂટી ભાષા દ્વારા વાતચીત કરે છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બીપીનભાઈ તેમની પત્ની સંગીતાબેન અને પુત્ર સાથે જામજાધપુરમાં એક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારબાદ સાંજે લગભગ ચાર વાગ્યે તેઓ જામવાડી ગામે પોતાના ઘરે પહોંચ્યા હતા. સાંજે આશરે સાત વાગ્યે તેમનો પુત્ર ગામના રામજી મંદિરે આરતી કરવા ગયો હતો. રાત્રે લગભગ ૮ઃ૧૫ વાગ્યે ઘરે પરત ફરતાં પિતાએ તેને મોડું થવાનું કારણ પૂછ્યું હતું. ત્યારે યુવકે ઇશારા અને તૂટીફૂટી ભાષામાં તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી.

યુવકે જણાવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે કે ગામનો એક શખ્સ તેનો હાથ પકડીને ખેંચી ગયો હતો અને શિવમંદિર પાસે આવેલા અવાવરા મકાનમાં લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. વિરોધ કરવા બદલ માર માર્યો હોવાનો અને ઘટનાની જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે.

પુત્ર પાસેથી ઘટનાની જાણ થયા બાદ બીપીનભાઈ તેને સાથે લઈને કથિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં યુવકે શિવમંદિર પાસેના મકાનની ઓળખ કરાવી હતી. ત્યારબાદ પિતા-પુત્ર આરોપીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં કારૂભાઈ અરજણભાઈ સંગારકા હાજર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદ મુજબ, યુવકે ઇશારા દ્વારા કારૂભાઈની ઓળખ આરોપી તરીકે કરાવી હતી. આ દરમિયાન કારૂભાઈએ પોતાની ભૂલ થઈ હોવાનું જણાવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ બીપીનભાઈએ પોલીસને જાણ કરતાં ૧૧૨ની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.બીપીનભાઈ ભડાણિયાની ફરિયાદના આધારે જામજાધપુર પોલીસે કારૂભાઈ અરજણભાઈ સંગારકા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ બાદ આગળની હકીકતો સ્પષ્ટ થશે.