રાજ્યમાં વીજ કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ દિવાળીના તહેવારને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. આ વર્ષે દિવાળી દરમિયાન એસએમસીની એકપણ ઈમારત પર લાઇટિંગ કરવામાં નહીં આવે. શહેરના મુખ્ય ૧૧ બ્રિજ પર જ રોશની કરવામાં આવશે. આ નિર્ણય મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે.
દર વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન સુરત મહાનગરપાલિકાની ઈમારતો સહિત શહેરના વિવિધ સ્થળોએ આકર્ષક લાઇટિંગ કરવામાં આવે છે. જાકે, આ વર્ષે વીજળીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખર્ચ અને વીજ વપરાશ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. આ વખતે મનપાની કોઈપણ ઈમારત પર રોશની નહીં થાય. માત્ર સુરતના મુખ્ય ૧૧ બ્રિજને જ લાઇટિંગથી શણગારવામાં આવશે.
મનપા દ્વારા કરવામાં આવતું લાઇટિંગ પણ મર્યાદિત સમય માટે ચાલુ રાખવામાં આવશે. સામાન્ય દિવસોમાં સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી જ લાઇટિંગ ચાલુ રહેશે. જાકે, દિવાળીના દિવસે નાગરિકોની ઉજવણીને ધ્યાનમાં રાખીને આખી રાત રોશની ચાલુ રાખવામાં આવશે.અગાઉ સમગ્ર શહેર અને મહાનગરપાલિકાની ઈમારતો પર દિવાળીની રોશની પાછળ આશરે ૭૨ લાખનો ખર્ચ થતો હતો. આ વર્ષે માત્ર ૧૧ બ્રિજ પર લાઇટિંગ કરવા માટે આશરે ૧૦ લાખ ખર્ચવાનું આયોજન છે. આમ, લાઇટિંગનો વ્યાપ મર્યાદિત કરીને મહાનગરપાલિકા ખર્ચમાં ઘટાડો કરશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે આ નિર્ણય અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં વીજ કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિવાળીની રોશની મર્યાદિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.