ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની ચેતવણી, નવરાત્રીમાં પણ મેઘો ધબધબાટી બોલાવશે !

ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જતા જતા પણ મેઘરાજા દેશના અનેક ભાગોમાં ધબધબાટી બોલાવવાના મૂડમાં લાગે છે. આ ઉપરાંત જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ભારે ચેતવણી આપી છે. તેમના જણાવ્યાં મુજબ આ વખતે મેઘો નવરાત્રી બગાડી શકે છે.

બંગાળની ખાડીમાં હાલ ડીપ ડિપ્રેશન સર્જાયું છે. જેના કારણે પૂર્વ ભારત તરબોળ રહી શકે છે. આગામી ૨૪ કલાકમાં ભારે આંધી તોફાન સાથે મૂસળધાર વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ તેલંગાણા, આંદામાન અને નિકોબાર તેમજ કેરળમાં આંધી સાથે ભારે વરસાદ પડી શકે છે. ઝારખંડ અને હિમાચલમાં ૨૯મી સુધી વરસાદ વરસી શકે છે. આવામાં ચોમાસું હજુ સપ્ટેમ્બરથી આગળ ઓક્ટોબર સુધી વધી શકે છે. સામાન્ય રીતે ઉત્તર ભારતીય રાજ્યોમાં આ સમયે ચોમાસું વિદાય થઈ રહ્યું હોય છે. પરંતુ હાલ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. હાલ બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનેલું છે. જેનાથી આ લેટેસ્ટ સિસ્ટમ વરસાદની સંભાવના વધારી રહી છે. સાઈક્લોનિક સર્ક્‌યુલેશનની અસર હોવાના કારણે ભેજવાળો પવન મેદાની વિસ્તારો તરફ આગળ વધી રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં મોટાભાગમાં વાદળો છવાઈ શકે છે. ૩૦ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે હાથીઓ ગાજવીજ સાથે વરસવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબસાગરનો ભેજ અને બંગાળના ઉપ સાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગો પાટણ, સમી, હારીજા ભાગોમાં કદાચ અને સાબરકાંઠાના ભાગોમાં, બનાસકાંટામાં ક્યાંક ક્યાંક, રાજસ્થાન સંલગ્ન ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

અંબાલાલની આગાહી મુજબ ૧૦ ઓક્ટોબરથી સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવશે. જેના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળી શકે. ભેજના લીધે અને અરબ સાગરના ભેજના લીધે નવરાત્રીની શરૂઆતમાં વાદળ વાયુ કે ક્યાંક વરસાદ પડી શકે છે. ૧૬ ઓક્ટોબરે હવામાનમાં પલટો આવે, ૧૭ ઓક્ટોબરના રોજ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી અલ નીનોની અસર ન થાય તો વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને ગુજરાતના છૂટા છવાયા ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવરાત્રિમાં વરસાદ પડી શકે. હાથિયો નક્ષત્રમાં દક્ષિણ ગુજરાતમાં કોઈક કોઈક ભાગોમાં પણ હાથિયો ગાજવીજ સાથે વરસે તેવી શક્યતા છે.