
રસ્તા પર હોર્ન વગાડવાના મામલે એક મહિલા સાથે મારામારી કરવા અને જાતિગત અપશબ્દો બોલવાના કેસમાં અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે હિતેશ રાવલ (૪૫ વર્ષ)ને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂ. ૪૨ હજારનો દંડ પણ કર્યો છે. આ ઘટના ૪ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ બની હતી. મહિલા સ્કૂટર પર પોતાની બહેનને પાછળ બેસાડીને નરોડા ખાતે પોતાના ઘરે જઈ રહી હતી. રસ્તા વચ્ચે ચાલી રહેલા હિતેશ રાવલને જાજઓઈ તેણે હોર્ન વગાડ્યું હતું. આથી રોષે ભરાયેલા હિતેશે મહિલા તરફ પાણીની બોટલ ફેંકી હતી. બોટલથી બચવાનો પ્રયાસ કરતાં મહિલાનું સંતુલન બગડ્યું હતું અને તે સ્કૂટર પરથી નીચે પડી ગઈ હતી.
મહિલા નીચે પડી ગયા બાદ હિતેશે તેની સાથે કથિત રીતે મારામારી કરી હતી અને તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. બંને એકબીજાને નજીકની હાઉસિંગ સોસાયટીઓના રહેવાસી હોવાના કારણે ઓળખતાં હતાં. મહિલા અનુસૂચિત જાતિ (એસસી) સાથે સંબંધ ધરાવતી હોવાથી હિતેશ પર તેની સામે જાતિગત અપશબ્દો બોલવાનો પણ આરોપ હતો. ત્યાર બાદ મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપી સામે આઈપીસીની જોગવાઈઓ તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી હતી. કેસની સુનાવણી વિશેષ અત્યાચાર નિવારણ કોર્ટમાં થઈ હતી. સરકારી વકીલ ભરત પટણીએ ફરિયાદી પક્ષ તરફથી કેસ રજૂ કર્યો હતો. કોર્ટે કેસમાં ૧૯ સાક્ષીઓની જુબાની નોંધી હતી અને ૨૦ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓના આધારે હિતેશ રાવલને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. હિતેશે પોતે નિર્દોષ હોવાની વાતનું રટણ કરી દાવો કર્યો હતો કે જૂના વિવાદનો બદલો લેવા માટે મહિલાએ તેને ખોટી રીતે ફસાવ્યો છે.
વિશેષ ન્યાયાધીશ બી.જે. ઘાસુરાએ હિતેશ રાવલને મહિલા સાથે મારામારી કરવા અને જાતિગત અત્યાચાર કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. સરકારી પક્ષે ગુનાની ગંભીરતા અને ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવવા માટે કડક સજાની માગણી કરી હતી, જાકે હિતેશ રાવલે પોતાની નબળી આર્થિક સ્થીતિ અને છેલ્લાં ત્રણ વર્ષથી જેલમાં હોવાનો હવાલો આપી સજામાં રાહત આપવા વિનંતી કરી હતી.
સજાની માત્રા અંગે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જણાવ્યું હતું કે આઈપીસીની જાગવાઈઓમાં સમયાંતરે સુધારા થયા હોવા છતાં આવા ગુનાઓની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો રહે છે. કોર્ટે વધુમાં કહ્યું કે જા આરોપીને યોગ્ય સજા અને દંડ ન કરવામાં આવે તો તે ભવિષ્યમાં આવા જ ગુનાઓ કરવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. તેથી ફરિયાદી પક્ષે માગેલી સજા અને દંડ યોગ્ય તથા ન્યાયસંગત હોવાનું કોર્ટે નોંધ્યું હતું. કોર્ટે આ કેસમાં પીડિત મહિલાને રૂ. ૨૦ હજારનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.