ગુજરાતી ફિલ્મ ’લાલો’એ રચી દીધો ઈતિહાસ, ભારતમાં કમાણી ૧૦૦ કરોડને પાર

શ્રીકૃષ્ણ સદા સહાયતે ગુજરાતી સિનેમા ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ ભારતમાં ૧૦૦ કરોડની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે. પિંકવીલાના આંકડા પ્રમાણે ફિલ્મએ છઠ્ઠા વીકેન્ડમાં ભારતમાં ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

પિંકવીલાના રિપોર્ટ પ્રમાણે આ ગુજરાતી ફિલ્મએ ભારતભરમાં ૧૦૧.૫૦ કરોડ જેટલું કલેક્શન કર્યું છે. જેમાંથી ૯૨ કરોડની કમાણી ગુજરાતમાં તો ૯ કરોડની કમાણી મહારાષ્ટ્રમાં થઈ છે. ગુજરાતમાં, લાલો: શ્રીકૃષ્ણ સદા સહાયતે બાહુબલી: ધ કક્ધ્લુઝનને પાછળ છોડીને અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ તરીકે ઉભરી આવી છે અને હવે તે પુષ્પા: ધ રૂલથી થોડી પાછળ છે. આ ફિલ્મ રાજ્યમાં ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ તરીકે પુષ્પાની ક્લબમાં સામેલ થઈ શકે છે.

ફિલ્મ આઠમાં સપ્તાહના અંતે ભારતભરમાં કાંતારા બાદ બીજા સ્થાને છે. છઠ્ઠા સપ્તાહના અંતે બંને ફિલ્મો વચ્ચે તફાવત ૪૦ ટકાનો હતો, જે હવે ઘટી ૨૦ ટકાનો થઈ ગયો છે. પાછલા સપ્તાહે એવી અટકળો હતી કે ફિલ્મ તેના આઠમાં સપ્તાહમાં રેકોર્ડ તોડી શકે છે, પરંતુ બુધવારે ફિલ્મના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારથી તેનું કલેક્શન સ્થિર થયું છે. પરંતુ આ નવા સપ્તાહે ફિલ્મ હજુ રેકોર્ડ તોડી શકે છે.

લાલો હવે ભારતમાં રૂ. ૧૧૦-૧૧૫ કરોડના બિઝનેસનો લક્ષ્યાંક ધરાવે છે. તેનું હિન્દી ડબ વર્ઝન રિલીઝ કરવાની યોજના છે, જે તેની કમાણીમાં વધારો કરશે. લાલો ફિલ્મ ઉપર ગુજરાતી લોકો પ્રેમ વરસાવી રહ્યાં છે. તે જોતા લાગી રહ્યું છે કે ફિલ્મની કમાણીમાં હજુ વધારો થશે.