ગોધરા શહેરમાં “તું પોલીસનો બાતમીદાર છે તેમ કહી યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ૩ શખ્સો સામે ગુનો દાખલ

ગોધરા શહેરમાં રામપુરા રોડ પર લાકડાના પીઠા પાસે બેઠેલા એક યુવક પર પોલીસની બાતમી આપવાની શંકા રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી, ગાળાગાળી તેમજ મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ગોધરા શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરાની મુસ્લિમ સોસાયટી વચલા ઓઢા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ફિરદોષ શબ્બીર મીઠા તારીખ ૧ નવેમ્બરના રોજ રાત્રિના સુમારે રામપુરા રોડ પર બંગલીના કોટની બાજુમાં આવેલા લાકડાના પીઠા ઉપર બેઠા હતા. તે દરમિયાન અકરમ અબ્દુલ સત્તાર ગાજી ઉર્ફે ચકલીયા, અનવર હુસેન અબ્દુલ રઝાક બોગલ અને યાકુબ ઇશાક ગાજી ઉર્ફે ચકલીયા ત્યાં આવી પહોંચ્યા હતા.આ ત્રણેય શખ્સોએ ફિરદોષ પાસે આવીને “તું અહીયા કેમ બેઠો છે, તું પોલીસનો બાતમીદાર છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી શ‚ કરી હતી.જેમાં આરોપી અકરમ ગાજીએ એકદમ ઉશ્કેરાઈને ફિરદોષને પાછળથી પકડી પાડી હાથમાં રહેલા બ્લેડ જેવા તીક્ષ્ણ સાધન વડે શરીર પર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે અન્ય બે આરોપીઓ અનવર બોગલ અને યાકુબ ગાજીએ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેયે એકબીજાની મદદગારી કરી હતી.ઈજાગ્રસ્ત યુવકે ગોધરા શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે હાજર થઈ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિ‚દ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.