હલકા વાહનો પસાર થતાં જ હલકી ગુણવત્તાવાળા નાળાની પોલ ખુલી.
ગોધરા તાલુકાની પઢીયાર ગ્રામ પંચાયતમાં ૧૫માં નાણાંપંચ અંતર્ગત પિયા ૨.૮૬ લાખના ખર્ચે બનેલા નાળાના કામની તપાસમાં તાલુકા વિકાસ અધિકારીએ રજૂ કરેલો રિપોર્ટ કાયદાકીય અને વાસ્તવિક દ્રષ્ટિએ તદ્દન ખોટો સાબિત થયો છે. તાલુકા વિકાસ અધિકારીએ પોતાના રિપોર્ટમાં નાળાનું કામ ગુણવત્તાવાળું અને એસ્ટીમેટ મુજબ હોવાનો દાવો કરી માત્ર સામાન્ય ધોવાણની વાત કહી હતી. પરંતુ તાજેતરમાં જ નાળા પરથી હલકા વાહનો પસાર થતાં જ મોટું ગાબડું પડી ગયું છે અને તાજા જીઓ-ટેગ ફોટોગ્રાફ્સ અધિકારીઓના ખોટા દાવાની પોલ ખોલી રહ્યા છે.
આ ગાબડાં પરથી સ્પષ્ટ ખુલાસો થયો છે કે, નાળાનું કામ અત્યંત હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યું છે અને આખું નાળું માત્ર સિમેન્ટની પાતળી પોપડી પર જ ટકેલું છે. નાળાની નીચે કોઈ કોંક્રિટ કે પાકો માલ ભરવામાં આવ્યો નથી જે સરકારી નાણાંનો ખુલ્લેઆમ બગાડ છે. અગાઉ આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા હલકી ગુણવત્તાવાળા નાળા અંગે શઆતથી જ વારંવાર વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું હતું.
જાગૃત નાગરિકની રજૂઆતમાં લેબોરેટરી ટેસ્ટ કરવા માટે સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી. પરંતુ લેબોરેટરી ટેસ્ટ કર્યા વગર જ અધિકારીઓએ ફક્ત બ આવીને સ્થાનિક લોકોના નિવેદનો લઈને જ તપાસ બંધ કરી દીધી હતી. ત્યારે આ ગંભીર નાણાંકીય ઉચાપત અને ભ્રષ્ટાચાર બાબતે હવે ઉચ્ચ કક્ષાની તપાસ કરી, સરપંચ ઉપરાંત પેમેન્ટ પાસ કરનાર તલાટી, વિસ્તરણ અધિકારી અને બોગસ રિપોર્ટ તૈયાર કરનાર જવાબદાર અધિકારીઓ સામે સીધી પોલીસ ફરિયાદ દાખલ કરી ગેરરીતિ આચરેલા નાણાંની કડક રિકવરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠેલ છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ મૌખિક રીતે જણાવેલ છે કે, આ બાબતે ફરી તપાસ કરવામાં આવશે.