જી એસ મલિકે પોલીસ ભવન  ખાતે રાજ્યના નવા ડીજીપી  તરીકે ચાર્જ સંભાળ્યો

જી એસ મલિકે રાજ્યના નવા ડીજીપી તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમણે પોલીસ ભવન ખાતે રાજ્યના નવા ડીજીપી  તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યની પોલીસ માટે અનેક પડકારો છે. તેમા સૌથી મોટો પડકાર દર વર્ષે યોજાતી રથયાત્રા સફળતાપૂર્વક પૂરી કરાવવી તે છે. આ સિવાય રાજ્યમાં ડ્રગ્સનું અને દારૂનું દૂષણ ઉત્તરોતર વકરી રહ્યુ છે. પોલીસે તેને ડામવા માટે કાર્યવાહી કરવી પડશે તેમ મનાય છે.

અમદાવાદના નવા પોલીસ કમિશ્નરને લઇ કેટલાક નામો ચર્ચામાં છે. જી એસ મલિક ડીજીપી બનતા હવે અમદાવાદના સીપી (પોલીસ કમિશ્નર) કોણ તેવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે. સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર મનોજ શશીધર મુખ્ય દાવેદાર છે. એસીબી ડાયરેક્ટર પિયુષ પટેલ પોલીસ કમિશ્નર બનવાની રેસના પ્રબળ દાવેદાર છે.

આ ઉપરાંત ૧૯૯૬ની બેચના આઇપીએસ ઓફિસર નરસિંહા કોમર પણ ચર્ચામાં છે. સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત પણ પોલીસ કમિશ્નર બનવાની રેસમાં અગ્રેસર છે. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ પોલીસ કમિશ્નરની રેસમાં છે. જાઇન્ટ પોલીસ કમિશ્નર શરદ સિંઘલને ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર બનાવી શકાય છે. શાસકોની સરપ્રાઇઝ આપવાની ટેવ જાતાં કોઈ નવું જ નામ નીકળે તો આશ્ચર્ય નહીં થાય.

ડીજીપી પછી, અમદાવાદ પોલીસ કમિશનરનું પદ ગુજરાતમાં સૌથી શક્તિશાળી અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અધિકારક્ષેત્રની દ્રષ્ટિએ અમદાવાદ સૌથી મોટું પોલીસ કમિશનરેટ પણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે એવા સમયે જીએસ મલિકને ડીજીપી તરીકે નિયુક્ત કર્યા છે જ્યારે રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્‌સ સામે પોલીસ ઓપરેશન “ઓપરેશન ડેલ્ટા” ચાલી રહ્યું છે, જેના પરિણામે ૫૦૦ થી વધુ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ કરવામાં આવી છે.