
અમદાવાદના અસારવા વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી પ્રદૂષિત પાણીની સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગંદા અને દુર્ગંધયુક્ત પાણીથી કંટાળેલા સ્થાનિક રહીશોએ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થિતિ એટલી વણસી ગઈ કે તપાસ માટે પહોંચેલા કર્મચારીઓનો સ્થાનિકોએ ઘેરાવ કરી લીધો હતો.
અસારવાના ભોગીલાલની ચાલી વિસ્તારમાં છેલ્લા આશરે છ મહિનાથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. પીવાના પાણીમાં ગંદકી ભળતા લોકોમાં આરોગ્યને લઈને ચિંતા વધી રહી છે. રહીશોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
રવિવારે એએમસીની એક ટીમ પાણીની લાઇન અને પ્રદૂષણના કારણોની તપાસ કરવા માટે વિસ્તારમાં પહોંચી હતી. જોકે લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોએ કર્મચારીઓનો ઘેરાવ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ સમસ્યાના તાત્કાલિક ઉકેલની માંગ સાથે કર્મચારીઓને સ્થળ પર જ રોકી રાખ્યા હતા.ઘટનાની જાણ થતાં જ એએમસીના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે પોલીસની મદદ લેવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમજાવટ બાદ સ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી.
સ્થાનિક રહીશોએ આરોપ લગાવ્યો કે સમસ્યાને લઈને વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આથી નારાજ થયેલા લોકોએ ધારાસભ્યની ઓફિસ બહાર પણ વિરોધ પ્રદર્શન કરીને તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
રહીશોએ માંગ કરી છે કે પાણીની લાઇનની સંપૂર્ણ તપાસ કરીને પ્રદૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. લોકોનું કહેવું છે કે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.અસારવાની આ ઘટનાએ શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા અને નાગરિક સુવિધાઓ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.