છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૧૦ કરોડના વિકાસના કામો એજન્ડા વગર મંજુર કરી દેવાયાનો આપ નો આક્ષેપ

છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંજુર થયેલા ‚.૧૦ કરોડના વિકાસના કામો અંગે આક્ષેપ કર્યો છે કે, એજન્ડા વગર વિકાસ કામોને મંજુરી આપી દેવામાં આવી છે. વિકાસ કામો કરવામાં પણ ભેદભાવ રાખવામાં આવે છે. તેવા આક્ષેપ સાથે ડીડીઓને ફરિયાદ કરી છે. આમ વિકાસ કામોને મંજુરી આપવાને લઈને ભાજપ-આપ આમને-સામને થતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં હાલમાં ભાજપનુ શાસન છે. જિલ્લા પંચાયતમાં ભાજપના ૧૯ અને આપના ૧૩ ચુંટાયેલા સભ્યો છે. આપના સભ્યોએ એવો આક્ષેપ કર્યો છે કે, એક જ બેઠકમાં ૧૦ કરોડના વિકાસના કામોને મંજુરી આપી પરંતુ આ વિકાસ કામો એજન્ડામાં સ્પષ્ટ રીતે સામેલ કરાયા ન હતા. છતાં મંજુરી મળી ગઈ છે. આ અંગે પુરતી તપાસ થવી જોઈએ. તેમજ આમ આદમી પાર્ટીના વિસ્તારોમાં વિકાસ કામો થતાં નથી. આમ વિકાસ કામો મંઝુર કરવામાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. જો આવો જ વ્યવહાર રાખવામાં આવશે અને તેમના વિસ્તારમાં વિકાસ કામોને મંજુરી નહિ અપાય તો આગામી દિવસોમાં જિલ્લા પંચાયતનો ધેરાવ કરવામાં આવશે. જયારે બીજી તરફ જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યુ હતુ કે, સામાન્ય સભામાં ૧૬માં નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા છે. તમામ વિસ્તારોને ધ્યાનમાં રાખીને આયોજન કરાયુ છે. કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. આમ આ અંગે પુરતી અને યોગ્ય તપાસ થવી જોઈએ. તેવી માંગ ઉઠી છે.