ગોધરા હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૭ ની હજયાત્રા માટે યોજાયેલા લકી ડ્રો બાદ પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના હજ ઈચ્છુકોમાં ભારે નિરાશા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી હજયાત્રા માટે સોૈથી વધુ અરજીઓ મેળવવામાં ગુજરાત ૩૧,૬૦૦ આવેદનો સાથે પ્રથમ ક્રમે રહ્યુ છે છતાં સમગ્ર રાજયમાંથી માત્ર ૭,૪૦૦ (આશરે ૨૩.૮૪ ટકા)અરજદારોની જ પસંદગી થઈ છે. જેથી લોકો નિરાશ થયા છે.
પંચમહાલ જિલ્લામાંથી ગોધરા સહિત કુલ ૧,૪૫૦ લોકોએ અરજી કરી હતી. જેમાંથી લકી ડ્રોમાં માત્ર ૨૬૬ શ્રદ્ધાળુઓના નામ જ ખુલ્યા છે. પરિણામે જિલ્લાના ૧,૧૮૪ હજયાત્રીઓ હાલ વેઈટિંગ લિસ્ટમાં મુકાઈ ગયા છે. આટલા ઓછા પ્રમાણમાં સિલેકશન થતાં અરજદારોમાં અસંતોષ ફેલાયો છે. અને ગુજરાતને એડિશનલ(વધારાનો)કોટા ફાળવવા માટે હજ કમિટી ઓફ ઈન્ડિયાને રજુઆત કરવામાં આવી છે. ગત વર્ષ પંચમહાલ જિલ્લામાં ૧,૫૦૦ અરજદારો પૈકી ૪૫૫ હજયાત્રીઓના નામ ખુલવા પામેલ હતા. જોકે બાદમાં વેઈટિંગ લિસ્ટમાં મુકાયેલા અનેક લોકો કમ્ફર્મ થયા હતા. અને હજયાત્રાએ જવાનો મોકો મળ્યો હતો. જયારે ૨૦૨૭ ની હજયાત્રામાં સ્થિતિ કઈંક અલગ જ છે જેને લઈને હજ કમિટી ઓફ ઈન્ડિયા પાસે વધુ એડિશનલ કોટા ફાળવવા માટે રજુઆત કરવામાં આવેલ છે.