પંચમહાલના ધુસર અને સાલીયામાં ૯ બ્લોકની રેતી ઈ-હરાજીમાં ન ભરે અને બ્લોકમાંથી રેતીની બેફામ ચોરી

પંચમહાલ જિલ્લાના ધુસર અને સાલીયા ખાતે સાદી રેતીના ૯ બ્લોકની ઓનલાઈન ઈ-હરાજીમાં ખનીજ માફિયાઓના સિન્ડિકેટે મસમોટું કોૈૈભાંડ આચર્યુ છે. માફિયાઓ નવી આઈડી બનાવી ઈ-હરાજીમાં ‚.૧,૫૦૦ થી ૩,૦૦૦ સુધીની ઉંચી બોલી લગાવી સાચા વેપારીઓને બહાર કરી દેતા હતા. ટેન્ડર મંજુર થયા બાદ ‚.૨૫ હજાર જેવી નજીવી ડિપોઝીટ ગુમાવીને બ્લોકનો કબ્જો કે કલેકટર કચેરીની સુનાવણીમાં હાજર રહેતા ન હતા. આ કાગળ પરની પ્રક્રિયાની આડમાં સરકારી બ્લોકમાંથી બેફામ રેતીની ચોરી કરી સરકારને લાખોની રોયલ્ટીનુ નુકસાન પહોંચાડવામાં આવતુ હતુ. આવા કિસ્સામાં ડિપોઝીટ જપ્ત કરી ૫ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી થાય છે. જયારે સરકારે આવી મોડસ ઓપરેન્ડી રોકવા ડિપોઝીટની રકમ ૦.૦૫ ટકા થી વધારી ૧ ટકા કરી દીધી છે.

પંચમહાલ જિલ્લામાં ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ધુસર અને સાલીયા ખાતેના સાદી રેતીના કુલ ૯ બ્લોક માટે ઓનલાઈન ઈ-ટેન્ડરીંગ પ્રક્રિયામાં ઉંચા ભાવ બોલીને બ્લોક સરકારી ચોપડે નોંધાય જાય બાદ બ્લોક લેવા આવ્યા નથી. ઈ-હરાજીની કાગળ પરની પ્રક્રિયાના આડમાં સરકારી બ્લોકમાંથી રેતીની ચોરી કરાય છે. ધુસર અને સાલીયાના બ્લોક ઓનલાઈન હરાજીમાં ઓડ જીતુભાઈ, ઓડ સાગરભાઈ, ઓડ સુનીલભાઈ, ઓડ ચંદુભાઈ, ઓડ અજયભાઈ, ઝાલા મેઘરાજભાઈ, રવી બરડે, તથા માલીવાડ મનોજે બ્લોકની ઉંચી બોલીને બ્લોક લેવા ના આવતા વિભાગે કેસ દાખલ કરતા કલેકટર કચેરીમાં સુનાવણી રાખવામાં આવી હતી. પરંતુ સુનાવણીમાં પણ આવા તત્વો હાજર ન રહી સરકારની આંખમાં ધુળ નાંખીને રેતીની ચોરી કરી રહ્યા છે અને સરકારને રોયલ્ટીનો ચુનો ચોપડી રહ્યા છે.