છોટાઉદેપુરથી બોડેલી સુધીનો ૩૫ કિ.મી.નો રસ્તો બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી

છોટાઉદેપુરથી બોડેલી સુધીનો આશરે ૩૫ કિ.મી.નો માર્ગ બિસ્માર હાલતમાં બન્યો છે. નેશનલ હાઇવે-૫૬ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની માલિકીનો માર્ગ હોવા છતાં રસ્તા પરના ખાડા પુરવામાં આવતા નથી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, નસવાડી, બોડેલી, પાવીજેતપુર અને કદવાલ તાલુકાના લોકો તેમજ છોટાઉદેપુર, વડોદરા અને મધ્યપ્રદેશ વચ્ચેના વાહન વ્યવહાર માટે માર્ગ મહત્વનો છે. પુરઝડપે આવતા વાહન ચાલકો અચાનક ખાડો આવી જતાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. રસ્તા પરના ખાડા પુરવા માટે મુખ્યમંત્રીએ સુચનાઓ આપી હોવા છતાં નેશનલ હાઇવેના સંબંધિત વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડા ૫ુરવામાં આવતા નથી. રસ્તા પરના ખાડાઓના કારણે વારંવાર અકસ્માતની ધટનાઓ પણ બનતી હોવા છતાં તંત્રના અધિકારીઓ ગંભીરતા દાખવતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જિલ્લા કલેકટર દ્વારા આજ દિન સુધી નેશનલ હાઇવે સંબંધિત અધિકારીઓને ખાડા પુરવા સુચના આપી ન હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.