ગોધરાના કોટડા-કાંસુડી ગામમાં વૃક્ષ હટાવવા બાબતે જીવલેણ હુમલો કરનાર બે આરોપીના જામીન નામંજુર

ગોધરા તાલુકાના કોટડા-કાંસુડી સીમાડા વિસ્તારમાં રસ્તા પર પડેલુ વૃક્ષ હટાવવા બાબતે થયેલી તકરારમાં જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવવાના ગુનામાં પકડાયેલા બે આરોપીઓની રેગ્યુલર જામીન અરજી પંચમહાલ જિલ્લાની મુખ્ય સેશન્સ કોર્ટે નામંજુર કરી છે.

કાંસુડી ગામના જાફરાબાદ ફળિયામાં રહેતા આરોપી નાનસિંહ નાગરભાઈ બારીયા અને કોૈશિક નાગરભાઇ બારીયાના ધર નજીક ખેતરના શેઢા પર આવેલુ વૃક્ષ વાવાઝોડા અને પવનના કારણે રસ્તા પર પડી ગયુ હતુ. જેથી રસ્તો બંધ થયો હતો. આ દરમિયાન સાહેદ વિક્રમભાઈ અને શૈલેષભાઈ ટ્રેકટર લઈ સીમાડામાં આવેલા ખેતરમાં ખેડવા જઈ રહ્યા હતા. રસ્તા પર વૃક્ષ આડું હોવાથી ટ્રેકટર નીકળી શકે તેમ ન હોવાથી તેઓ વૃક્ષ હટાવવા ગયા હતા. આ બાબતે આરોપી નાનસિંહ બારીયા અને કોૈશિક બારીયાએ ઝધડો કરી વિક્રમભાઈ અને શૈલેષભાઈને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. મહાસુખભાઈને માર મારતા જીવલેણ ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ. ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જેલ હવાલે રહેલા આરોપીઓ નાનસિંહ બારીયા અને કોૈશિક બારીયાએ મુકત થવા માટે પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ એન.સી.રાવલની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીની સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વારા દલીલો રજુ કરી હતી. તેમજ તપાસ કરનાર અમલદારનુ સોગંદનામું ધ્યાને લેવામાં આવ્યુ હતુ. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે બંને આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી હતી.