ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં પરિણીતાને આપધાત કરવા માટે મજબુર કરવાના કેસમાં પંચમહાલ જિલ્લાની મુખ્ય સેશન્સ કોર્ટે આરોપી કલ્પેશ ઉર્ફે મોન્ટુ મણીલાલ રાવળની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી છે.
ગોધરાના બામરોલી રોડ સ્થિત સત્યમ સોસાયટી પાછળ રહેતા કલ્પેશ ઉર્ફે મોન્ટુ મણીલાલ રાવળ સાથે પરિણીતાનો અગાઉ પ્રેમ સંબંધ હતો. પરિણીતાએ સંબંધ ચાલુ રાખવાની ના પાડતા આરોપીઓએ તેના ફોટો, વીડિયો, તેમજ ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી. આ બાબતે પરિણીતાએ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ આરોપી કલ્પેશ રાવળ, મણીલાલ રાવળ, બકુલબેન રાવળ તેમજ સંતોષભાઈ રાવળે પરિણીતા અને તેના પરિવારજનો પર ફરિયાદી પાછી ખેંચવા માટે દબાણ કર્યુ હતુ. જો ફરિયાદ પાછી ન ખેંચે તો પરિવાર અને સમાજમાંથી બહાર મુકાવવાની, વીડિયો વાયરલ કરવાની તેમજ અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. આ સતત ત્રાસથી કંટાળી જઈ પરિણીતાએ પોતાના ધરે ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. મૃતક પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં આરોપીનુ નામ સામે આવ્યુ હતુ. આ બનાવ સંદર્ભે એ-ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી કલ્પેશ ઉર્ફે મોન્ટુ રાવળે જેલમાંથી મુકત થવા માટે પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ એન.સી.રાવલની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આ કેસમાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરે રજુ કરેલી દલીલો અને તપાસ અમલદારના સોગંદનામાંને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજુર કરી હતી.