
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં 16મા નાણાપંચની નવી ગાઈડલાઈન સામે સરપંચ સંઘે સખત વિરોધ નોંધાવ્યો છે. બોડેલી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ ભગત ચિરાગકુમાર મુકેશભાઈ (વાલપરી જૂથ ગ્રામ પંચાયત)ની આગેવાનીમાં સરપંચોએ છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને આવેદનપત્ર આપ્યું છે. તેમણે નવી ગાઈડલાઈનમાં તાત્કાલિક સુધારો કરવાની માગ કરી છે.
સરપંચ સંઘનો આક્ષેપ છે કે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 16મા નાણાપંચ અંગે જે નવો ઠરાવ બહાર પાડ્યો છે, તે મુજબ તાલુકા અને જિલ્લા કક્ષાના આયોજનમાં ફરજિયાતપણે ₹6 લાખથી વધુના કામો લેવાની જોગવાઈ કરાઈ છે.
સરપંચોનું કહેવું છે કે, ગ્રામ પંચાયતોમાં ₹5 લાખથી વધુના કામો માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે. નવી ગાઈડલાઈનથી વિકાસ કામોની પ્રક્રિયા લાંબી બનશે. તેનાથી ગામડાના નાના અને જરૂરી કામો સમયસર પૂરા નહીં થઈ શકે. તેમને ભય છે કે આનાથી ગ્રામ પંચાયતોની સત્તા મર્યાદિત થશે અને વિકાસ કામોની ગુણવત્તા પર પણ અસર પડશે.
સરપંચ સંઘની મુખ્ય માગણીઓ આ મુજબ છે:
૧. તાલુકા અને જીલ્લા સમિતિના આયોજન માટે ૧૫મા નાણાપંચની ગાઈડલાઈન ચાલુ રાખવામાં આવે.
૨. ગ્રામ પંચાયતની હાલની રૂા.૫ લાખની કામ કરવાની સત્તા મર્યાદા વધારીને રૂ.૧૦ લાખ કરવામાં આવે.
૩. રૂ.૧૦ લાખ સુધીના કામો માટે સરળ પ્રક્રિયા રાખવામાં આવે, જેથી ટેન્ડર પ્રક્રિયાનો ખર્ચ અને સમય બચી શકે.
૪. ગામડાના આંતરિક રસ્તાઓ અને પાવર બ્લોક પાછળ અનટાઈડ ગ્રાન્ટમાંથી ખર્ચ કરવાની ૨૦ ટકાની મર્યાદા રદ કરવામાં આવે.
સરપંચ સંઘે કહ્યું કે, નવા ઠરાવના કારણે ગામડાનો વિકાસ અટકી જશે અને પંચાયતોની સત્તા છીનવાઈ રહી છે. જો ગ્રામ પંચાયતની સત્તા મર્યાદા રૂ.૫ લાખથી વધારીને રૂ.૧૦ લાખ કરવામાં આવે અથવા ૧૫મા નાણાપંચ મુજબના જૂના નિયમો જાળવી રાખવામાં આવે, તો ગામડાઓમાં ઝડપી અને સારા વિકાસ કામો થઈ શકશે.