
બોડેલીમાં નર્મદા મુખ્ય નહેરના પાણીને શુદ્ધ કરતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હવે નગરપાલિકાને સોંપાશે. રાજ્યના પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૬ કરોડના ખર્ચે બનાવાયેલા આ પ્લાન્ટના હસ્તાંતરણની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પ્લાન્ટની રોજ ૭૦ લાખ લિટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા છે. તે બોડેલી, અલીપુરા, ઢોકલીયા અને ચાચક ગ્રામ પંચાયતોને પાણી પૂરૂ પાડે છે, જેનાથી ૨૫,૦૦૦થી વધુ નાગરિકોને પીવાનું પાણી મળે છે.
શુદ્ધ પાણી નદી કિનારે ૩૨ લાખ લિટર, બોડેલીમાં ૧૮ લાખ લિટર, અલીપુરામાં ૧૪ લાખ લિટર, ઢોકલીયામાં ૪ લાખ લિટર અને ચાચકમાં ૪ લાખ લિટરની ક્ષમતાવાળા સંપમાં સંગ્રહ થાય છે.
નગરપાલિકાના અધિકારીઓએ પ્લાન્ટનો સર્વે કર્યો છે. હસ્તાંતરણ પછી તેની જાળવણી અને જવાબદારી નગરપાલિકાની રહેશે, તેથી તમામ પ્રક્રિયાઓ પૂરી થયા બાદ જ કબજો લેવાશે.