સંતરામપુરના ખેડાપા ગામે ખેતરમાં નેટની વાડમાં ફસાયેલા અજગરનું સફળ રેસ્ક્યુ

આજ રોજ સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે એક ખેડૂતની વાડીમાં અજગર ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. ખેતરના રક્ષણ માટે બાંધવામાં આવેલી નેટની વાડમાં આશરે નવથી દસ ફૂટ લાંબો અજગર અજાણતાં જ ફસાઈ જતાં ગામલોકોમાં ભારે કુતુહલ અને સાથેસાથે ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની વિગતો મુજબ, ખેડાપા ગામના એક ખેડૂત સવારે પોતાના ખેતરે પહોંચ્યા ત્યારે તેમણે નેટની જાળીમાં કોઈ મોટું વન્યજીવ ફસાયેલું હોવાનું જોયું. નજીક જઈને જોતાં તે એક વિશાળ કદનો અજગર હોવાનું જણાયું હતું. ખેતરમાં અજગર હોવાના સમાચાર વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. અજગરનું વિકરાળ સ્વ‚પ જોઈને નાના બાળકો અને મહિલાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

લોકોની વધતી ભીડ અને અજગરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્વરિત ધોરણે સ્થાનિક વનવિભાગ તથા ‘એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ’ની ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ટ્રસ્ટના સભ્યો અને વનકર્મીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

બચાવકર્મીઓએ ભારે જહેમત અને સતર્કતા સાથે ઓપરેશન હાથ ધર્યું હતું. નેટમાં ખૂબ જ ગૂંચવાઈ ગયેલા આ અજગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર, કુશળતાપૂર્વક નેટમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા બાદ, વનવિભાગ અને ટ્રસ્ટના સભ્યો દ્વારા આ અજગરને માનવ વસ્તીથી દૂર એક સુરક્ષિત અને ઘાટ જંગલ વિસ્તારમાં સકુશળ મુક્ત કરવામાં આવ્યો હતો. વન્યજીવને નવું જીવન મળતાં અને ગ્રામજનોનો ભય દૂર થતાં સૌએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટનામાં એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ અને વનવિભાગની સમયસૂચકતા અને સરાહનીય કામગીરી બદલ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો.