મહી ઉદ્વહન યોજના હેઠળ સમયસર પાણી પહોંચાડવાની માંગ, પાક સુકાવાની ભીતિથી ખેડૂતો ચિંતિત.
બાલાસિનોર તાલુકાના ઘુવેડિયા તળાવમાં ખેતીલાયક પાણીનો પૂરતો જથ્થો ન હોવાના કારણે આસપાસના ખેડૂતોની ચિંતા વધી છે. ડાંગરના પાકને પાણીની તાત્કાલિક જરૂરિયાત હોવા છતાં પૂરતું પાણી ન મળતાં પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબરૂ ડાંગરના પાક પાછળ બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિતનો મોટો ખર્ચ કર્યા બાદ હવે પાકને બચાવવા પાણીની જરૂર છે. જોકે, તળાવમાં પાણીની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહી ઉદ્વહન યોજના મારફતે તળાવમાં પાણી પહોંચાડવાની કામગીરી અંગે પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, પાણી પહોંચાડવા બાબતે વારંવાર બહાનાં આપવામાં આવે છે.
ખેડૂતોનું કહેવું છે કે, ખેતીના નિર્ણાયક સમયે પાણી નહીં મળે તો ડાંગરના પાકને ગંભીર નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. ખેડૂતોએ ઘુવેડિયા તળાવની પાણીની સ્થિતિની સ્થળ પર તપાસ કરી મહી ઉદ્વહન યોજના હેઠળ તાત્કાલિક પાણી પહોંચાડવા માંગ કરી છે. સાથે જ પાણીની વ્યવસ્થા અંગે સ્પષ્ટતા કરી ખેડૂતોની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા અપીલ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે, ખેડૂતોની રજૂઆત બાદ સંબંધિત તંત્ર તાત્કાલિક પગલાં ભરે છે કે પછી ખેડૂતોને પાણી માટે હજુ રાહ જોવી પડશે.