સંખેડાના શ્રીગામ ધાણકા ગામે દીપડા પાડીનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ

સંખેડા તાલુકાના શ્રીગામ ધાનકા ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે ભય અને દહેશતની લાગણી ફેલાઈ ગઈ છે. ગામમાં ઘૂસી આવેલા દીપડાએ ઘરની પાછળ બાંધેલા પશુઓ પૈકી એક પાડીનું શિકાર કરતા પશુપાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

શ્રી ગામ ધાનકા ગામના રહીશ હસમુખભાઈ બારીયાએ પોતાના ઘરની પાછળ પશુઓ બાંધ્યા હતા. તે દરમિયાન અચાનક જ ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ અંધારાનો લાભ ઉઠાવીને દીપડો ત્યાં આવી ચઢ્યો હતો અને બાંધેલા પશુઓમાંથી એક પાડી પર ત્રાટકીને તેનું મારણ કરી ગયો હતો.

લાઈટ આવ્યા બાદ અને સવારે તપાસ કરતાં મારણ થયેલા સ્થળની આસપાસ દીપડાના પંજાના સ્પષ્ટ નિશાન મળી આવ્યા હતા, જેથી દીપડાની હાજરીની પુષ્ટિ થઈ હતી. રક્ષણ આપતા પશુઓ પર જ ગામની અંદર આવીને દીપડાએ હુમલો કરતા સમગ્ર ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ ઘટના અંગેની જાણ થતાં જ વનવિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમણે સ્થળ તપાસ કરીને આગળની જ‚રી કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે દીપડાને વહેલામાં વહેલી તકે પાંજરે પૂરવામાં આવે, જેથી પશુપાલકો અને સ્થાનિક રહીશો દીપડાથી ભયમુક્ત બની શકે.