
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ‘મા બ્રહ્માણી કુંભારી કામ કલાગીરી WSHG સખી મંડળ’ની બહેનોએ માટીકામની પરંપરાગત કળાને આજીવિકાનું એક સશક્ત માધ્યમ બનાવ્યું છે. વર્ષ 2013થી કાર્યરત આ સખી મંડળની 11 મહિલાઓએ પોતાની મહેનત અને કલાગીરીના જોરે આર્થિક આત્મનિર્ભરતા મેળવીને સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ સખી મંડળની બહેનો દ્વારા માટીમાંથી અત્યંત આકર્ષક અને ગુણવત્તાયુક્ત વાસણો બનાવવામાં આવે છે. જેમાં પરંપરાગત કોડિયા, માટલા, ઘડા અને કુલડી ઉપરાંત આધુનિક જરિયાતોને ધ્યાનમાં રાખીને માટીની પાણીની બોટલ, હાંડલી, ચરવા, કલેડા, કૂકર, કપ, તવા, કડાઈ અને ગલ્લા જેવી વિવિધ આકર્ષક વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ જૂથે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ગોધરા, આણંદ, રાજકોટ અને સુરત જેવા શહેરો ઉપરાંત દેશના મોટા મહાનગરો જેવા કે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને ગોવા ખાતે યોજાયેલા પ્રદર્શનોમાં પણ પોતાના સ્ટોલ લગાવીને મોટી સફળતા અને સારી આવક મેળવી છે.
સતત પરિશ્રમના પરિણામે આ મંડળે વિવિધ મેળામાં વેચાણ કરીને રૂ. 6 લાખથી વધુની બચત પણ કરી છે. લીમખેડાની આ માટીકામની કલાએ આ 11 બહેનોને આર્થિક રીતે એટલી સક્ષમ બનાવી છે કે આજે તેઓ પોતાના પરિવાર અને સમાજ માટે પ્રેરણારૂપ બની છે. ક્વોટ
મેળાઓમાં નિ:શુલ્ક સ્ટોલથી આજીવિકા મજબૂત બની ધાતુના વાસણો કરતાં માટીના વાસણોમાં જમવાનું બનાવવામાં આવે તો તે અત્યંત સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બને છે. સરકાર દ્વારા અમને મેળાઓમાં નિશુલ્ક સ્ટોલ આપીને જે વેચાણની તક પૂરી પાડવામાં આવે છે. તેનાથી અમારી આજીવિકા મજબૂત થઈ છે. :- સુભદ્રાબેન રાઠોડ, મંડળ સભ્ય…