
અંબાજીમાં યોજાયેલા ભાદરવી પૂનમના મહા મેળા-૨૦૨૬ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા. દર્શનાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી) દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
મેળા દરમિયાન મુસાફરોને સમયસર અને સલામત પરિવહન મળી રહે તે માટે પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ, સુપરવાઇઝરો,
ડ્રાઇવરો, કંડક્ટરો અને મિકેનિકલ સ્ટાફ સહિતની ટીમો ૨૪ કલાક સતત ફરજ પર રહી હતી. ભાદરવી પૂનમના મહા મેળા દરમિયાન જીએસઆરટીસી દ્વારા કુલ ૩૦,૦૦૦ એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ વધારાની બસ સેવાઓના કારણે અંબાજી તરફ આવતા અને પરત ફરતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને જાહેર પરિવહનની સુવિધા મળી હતી. મેળાના છ દિવસ દરમિયાન અંદાજે ૧૩.૦૪ લાખ મુસાફરોએ જીએસઆરટીસીની બસ સેવાનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં મુસાફરોને એકસાથે પરિવહન સેવા આપવા માટે અલગ-અલગ વિભાગોના સ્ટાફને સતત કામગીરીમાં જાડવામાં આવ્યો હતો.
આ અંગે જીએસઆરટીસીના પીઆરઓ શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમ-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને ૨૦ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન દર્શનાર્થીઓની સુવિધા અને સુચારુ પરિવહન માટે વિશેષ એક્સ્ટ્રા સર્વિસોનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગના અધિકારીઓથી લઈને ડ્રાઇવર, કંડક્ટર, સુપરવાઇઝર અને મિકેનિકલ સ્ટાફ દ્વારા ૨૪ કલાક ખડેપગે રહીને કામગીરી કરવામાં આવી હતી.
જીએસઆરટીસીના જણાવ્યા મુજબ આ સમગ્ર આયોજન દરમિયાન નિગમને કુલ ૯.૫૧ કરોડની આવક પ્રાપ્ત થઈ હતી. એટલે કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન વધારાની બસ સેવાના સંચાલનથી એક તરફ લાખો શ્રદ્ધાળુઓને પરિવહન સેવા મળી, તો બીજી તરફ નિગમની આવકમાં પણ મોટો વધારો નોંધાયો.
મેળાની વ્યવસ્થા માત્ર અંબાજી સુધી મર્યાદિત ન રહે તે માટે પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગને કામગીરીમાં જાડવામાં આવ્યા હતા. વધતી મુસાફર સંખ્યાને પહોંચી વળવા માટે બસોના સંચાલન સાથે ડ્રાઇવર-કંડક્ટર અને મિકેનિકલ ટીમો પણ સતત કાર્યરત રહી હતી. ૨૦થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ચાલેલા આ વિશેષ આયોજનમાં ૩૦ હજાર એક્સ્ટ્રા ટ્રીપ, ૧૩.૦૪ લાખ મુસાફરો અને ૯.૫૧ કરોડની આવક—આ ત્રણ આંકડા ભાદરવી પૂનમના મેળા દરમિયાન જીએસઆરટીસીના વિશાળ પરિવહન ઓપરેશનનું ચિત્ર રજૂ કરે છે.