
ભારતની ‘બ્રાસ સિટી’ તરીકે ઓળખાતા જામનગરમાં જીએસટીના જટિલ કાયદાઓ અને વિભાગ દ્વારા ફટકારવામાં આવતી આડેધડ નોટિસો સામે બ્રાસ ઉદ્યોગકારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જીએસટીની આ નીતિઓ અને મુશ્કેલીઓના વિરોધમાં જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગોએ સજ્જડ બંધ પાળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ બંધમાં શંકરટેકરી, ઉદ્યોગનગર ફેઝ-૨, અને ફેઝ-૩ સહિતના ઔદ્યોગિક વિસ્તારોના ૪૫૦૦થી વધુ નાના-મોટા એકમો સંપૂર્ણપણે જોડાયા હતા, જેના કારણે શહેરના કારખાનાઓનો ઘમઘમાટ શાંત થઈ ગયો હતો.
છેલ્લા કેટલાક સમયમાં જીએસટી વિભાગ દ્વારા સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારોને ૩૩૯૧ જેટલી નોટિસો ફટકારવામાં આવી છે અને તેની સામે રૂ. ૨૧૫૦ કરોડથી વધુની માતબર રકમની ટેક્સ પેટે માંગણી કરવામાં આવી છે. આટલા મોટા પાયે અકારણ નોટિસો મળતા વેપારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. લાંબા સમયથી સરકારમાં રજૂઆતો કરવા છતાં આ ગંભીર પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન આવતાં આખરે ફેક્ટરી માલિકોએ રસ્તા પર ઉતરીને અવાજ ઉઠાવવાની ફરજ પડી છે.
વિરોધના ભાગરૂપે શહેરના ત્રણ મુખ્ય ઉદ્યોગ સંગઠનો ફેકટરી ઓનર્સ એસોસિએશન, પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત નેજા હેઠળ કલેક્ટર કચેરી સુધી એક વિશાળ મૌન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ મોટી સંખ્યામાં ઉદ્યોગકારોએ એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં વેપારીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે, બોનાફાઇડ (સાચા) ખરીદદારોને કાયદા હેઠળ યોગ્ય રક્ષણ આપવામાં આવે અને પ્રામાણિક કરદાતાઓને બિનજરૂરી નોટિસો આપીને હેરાન કરવાનું બંધ કરવામાં આવે. તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી કે, માત્ર કરચોરી કરનારા તત્વો સામે જ આકરાં પગલાં લેવા જાઈએ અને જીએસટીના કાયદાને સરળ બનાવવો જોઈએ, જેથી સામાન્ય વેપારી શાંતિથી પોતાનો ધંધો કરી શકે.
આ અંગે મીડિયાને પ્રતિક્રિયા આપતા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે, “અમારો બ્રાસ ઉદ્યોગ વર્ષોથી પ્રામાણિકપણે સરકારને ટેક્સ ભરે છે, પરંતુ જટિલ કાયદાની આડમાં સાચા વેપારીઓને દબાવવામાં આવી રહ્યા છે. જો અમારા આ પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં ઉદ્યોગકારો દ્વારા વધુ આક્રમક લડત આપવામાં આવશે, જેના એનધાણ આજે અમે આ મૌન રેલી અને બંધ થકી આપી દીધા છે.”