
ગુજરાત સહિત દેશભરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સુરેન્દ્રનગર-જૂનાગઢ સહિતના શહેરોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં કોઇપણ પ્રકારની પરમીશન વગર રેલી કાઢવામાં આવતા ૨૦૦થી વધુ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને અલગ અલગ મહિલા મોરચા તેમજ એનએસયુઆઇના કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનમાં જાડાયા હતા.
કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને જાતા એએસપી તેમજ બી ડિવિઝન પોલીસ અને જારાવરનગર પોલીસ ટીમ, એ ડિવિઝન પોલીસની ટીમ સહિત અંદાજિત ૧૫૦થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી દ્વારા, ચૂંટણીપંચ લોકશાહીની હત્યા કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાંલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસ જે રાજ્યમાં જીતે ત્યારે વખાણ કરે છે અને જ્યાં હારે ત્યાં ઈફસ્ અને ચૂંટણી પંચ સામે આંગળી ચીંધે છે ત્યારે લોકોને ભ્રમિત કરવાનું બંધ કરો અને કોંગ્રેસ ઉઠાણું ફેલાવવાનું બંધ કરે તેવી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી હતી.
જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને પદાધિકારીઓ જોડાયા હતા.
ચૂંટણી પંચ દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીની બહાર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરનારાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી.