બેંક ઓફ બરોડામાંથી લોન મામલો:ચેક રિટર્ન કેસમાં હાલોલ કોર્ટે આરોપીને ૬ માસની સજા અને ₹૪.૩૪ લાખથી વધુનો દંડ ફટકાર્યો

હાલોલની મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન (બાઉન્સ) કેસમાં મહત્વનો ચુકાદો આપતાં આરોપીને કસૂરવાર ઠેરવી ૬ માસની સાદી કેદની સજા અને ચેકની રકમ જેટલો દંડ ફટકાર્યો છે.

બેંક ઓફ બરોડા કંજરી રોડ શાખા, હાલોલ માંથી આરોપી કલ્પેશકુમાર સુખરામભાઈ શાહ રહે. વડા તળાવ, તા. હાલોલ એ ₹૪,૫૦,૦૦૦/- ની પર્સનલ લોન મેળવી હતી. આ લોન પેટે બાકી નીકળતી લેણી રકમની ચુકવણી માટે આરોપીએ ₹૪,૩૪,૭૩૩/- નો બેંક ઓફ બરોડાનો ચેક આપ્યો હતો. ફરિયાદી બેંક દ્વારા આ ચેક પોતાના ખાતામાં જમા કરાવતા, ખાતામાં અપૂરતા ભંડોળ (Insufficient Funds) ના કારણે ચેક રિટર્ન થયો હતો. જે બાદ બેંક દ્વારા કાયદાકીય નોટિસ મોકલવા છતાં રકમ ન ચૂકવાતાં અદાલતમાં ફરિયાદીના એડવોક્ડેટ આર એસ શેઠ મારફતે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર મામલે દસ્તાવેજી પુરાવા અને ફરિયાદી એડવોકેટ આર એસ શેઠ ની દલીલો ધ્યાને લઈ 

હાલોલના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ આર બી જોષીની કોર્ટે તમામ પુરાવાઓ ધ્યાને લઈ આરોપીને કસૂરવાર ઠેરવ્યા હતા. કોર્ટે આરોપી કલ્પેશકુમાર શાહને ૬ માસની સાદી કેદ અને ચેકની રકમ ₹૪,૩૪,૭૩૩/- નો દંડ ફરમાવ્યો છે, અને આ દંડની રકમ ફરિયાદી બેંકને વળતર રૂપે ચૂકવવાનો હુકમ કર્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા ભોગવવાની રહેશે.