
પાસ-પરમિટ વગરના લાકડાં ભરેલી ટ્રક સાથે રૂ. ૪.૫૦ લાખનો મુદ્દામાલ સીઝ
શહેરા વન વિભાગના સ્ટાફ એ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અણીયાદ થી લાડવેલ ગામ સુધી ફિલ્મી ઢબે અંદાજે ૨૦ કિમી સુધી ટ્રકનો પીછો કરી લીલા તાજા પંચરાઉ લાકડાં ભરેલ ટ્રકને પકડી પાડી હતી.વન વિભાગે ટ્રક અને લાકડા નો જથ્થો મળીને અંદાજે રૂ. ૪.૫૦ લાખનો મુદ્દામાલ સીઝ કરી આગળની તપાસ હાથધરી હતી.
શહેરા વન વિભાગના આર.એફ.ઓ. વી.જી. ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ ગુણેલી રાઉન્ડના ફોરેસ્ટર કે.ડી. ગઢવી તેમજ વન વિભાગનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે અણીયાદ ગામ પાસેથી લીલા તાજા પંચરાઉ લાકડા ભરીને એક ટ્રક પસાર થવાની છે.બાતમીના આધારે વન વિભાગની ટીમે તુરંત અણીયાદ ગામ પાસે વોચ ગોઠવી દીધી હતી. તેવામાં શંકાસ્પદ ટ્રક આવતાં જ વન વિભાગના સ્ટાફે તેને ઊભી રાખવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ, વન વિભાગની ટીમને જોઈને ટ્રક ચાલકે ગભરાઈ જઈને લાકડા ભરેલી ટ્રકને ભગાડી મૂકી હતી.ગુણેલી રાઉન્ડ ફોરેસ્ટર કે.ડી. ગઢવી અને તેમની ટીમે સમયસૂચકતા વાપરીને પોતાની ગાડીમાં ટ્રકનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. રાત્રિના અંધારામાં વન વિભાગે અંદાજે ૨૦ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે ટ્રકનો સતત પીછો કર્યો હતો અને આખરે લાડવેલ ગામ પાસે ટ્રકને ઊભી રાખી દીધી હતી.
ટ્રક ઊભી રાખ્યા બાદ વન વિભાગના ગુણેલી રાઉન્ડ ફોરેસ્ટર કે.ડી. ગઢવી એ ચાલક પાસે લાકડાની હેરફેર માટે જરૂરી પાસ-પરમિટ અને દસ્તાવેજોની માંગણી કરી હતી. પરંતુ, ચાલક કોઈ પણ પ્રકારના કાયદેસરના કાગળો રજૂ કરી શક્યો ન હતો. જેથી કાયદેસરના આધાર-પુરાવા વગર જ આ લીલા પંચરાઉ લાકડાની ગેરકાયદે હેરફેર થતી હોવાનું સ્પષ્ટ થયું હતું. વન વિભાગની ટીમે લીલા પંચરાઉ લાકડા ભરેલી ટ્રકને શહેરા ફોરેસ્ટ કચેરી ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડા તેમજ હેરફેર માટે વપરાયેલ ટ્રક મળીને કુલ અંદાજે રૂપિયા ચાર લાખ પચાસ હજારનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ લાકડાં ક્યાંથી કાપવામાં આવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે દિશામાં વન વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.