બાકી રહી ગયેલા પાત્ર નાગરિકો અને ૧૮-૧૯ વર્ષના યુવા મતદારો માટે નામ નોંધાવવાની ખાસ તક
તારીખ ૧૧/૧૦/૨૦૨૬, ૧૮/૧૦/૨૦૨૬, ૨૫/૧૦/૨૦૨૬ અને ૦૧/૧૧/૨૦૨૬ના રોજ બુથ લેવલ અધિકારીઓ (BLO) મતદાન મથકો પર ઉપસ્થિત રહેશે
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત સરકારના પત્રના આદેશાનુસાર પંચમહાલ જિલ્લાની સાર્વજનિક જનતાને જણાવવામાં આવે છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી (DEO) અને મતદાર નોંધણી અધિકારી (ERO) દ્વારા સતત મતદારયાદી સુધારણા (Continuous Updation) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ મતદારયાદીમાં નામ નોંધાવવાથી બાકી રહી ગયેલા નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર બનેલા યુવાનો માટે નામ નોંધણીની ખાસ ઝુંબેશ યોજાશે.
જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં તારીખ ૦૧/૧૦/૨૦૨૬ થી આ સતત સુધારણા પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત ખાસ દિવસોમાં નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવશે:
ખાસ ઝુંબેશના દિવસો: તારીખ ૧૧/૧૦/૨૦૨૬, ૧૮/૧૦/૨૦૨૬, ૨૫/૧૦/૨૦૨૬ અને ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ.
સમય: સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી.
સ્થળ: પોતાના સંબંધિત/નજીકના મતદાન મથક ખાતે.
કામગીરી: બુથ લેવલ અધિકારીઓ (BLO) મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.
જિલ્લાના તમામ બાકી રહી ગયેલા નાગરિકો અને ૧૮–૧૯ વર્ષના યુવા મતદારોએ જરૂરી આધાર-પુરાવા સાથે પોતાના નજીકના મતદાન મથકે હાજર રહી BLO સમક્ષ નામ નોંધણી અથવા સુધારા માટેની અરજી રજૂ કરવા જણાવવામાં આવે છે.
નોંધનીય છે કે, આ ખાસ ઝુંબેશ અંતર્ગત નામ નોંધણી કરાવનાર બાકી રહી ગયેલા કે યુવા મતદારોએ કોઈ પણ પ્રકારનું ડિકલેરેશન ફોર્મ ભરવાનું રહેશે નહીં.