
અમદાવાદ શહેરના ઝુંડાલ ગરનાળા પાસે આવેલા ચેરીસ કાફેમાં ગેરકાયદે રીતે નીકોટીન યુક્ત હુક્કાબાર ચલાવવામાં આવતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ૨૯મી ઓક્ટોબરે દરોડા પાડવામાં આવ્યા હતા. કાફેના સંચાલકો આર્થિક ફાયદા માટે બહારથી ગ્રાહકો બોલાવીને હર્બલ ફ્લેવરની જગ્યાએ નીકોટીનવાળા તમાકુના હુક્કા પીવડાવતા હોવાની ચોક્કસ માહિતીના આધારે એસએમસીની ટીમે આ સપાટો બોલાવ્યો હતો
આ દરોડાથી સ્થાનિક ચાંદખેડા પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. વિસ્તારમાં ૧ નહીં પણ ૪ જેટલા વહીવટદારો દ્વારા પીઆઈની જાણ બહાર આ ગેરકાયદે ધંધાનું સંચાલન થતું હોવાની વિગતો સામે આવી છે, જેમાં ૧ નિવૃત્ત પોલીસકર્મી પણ સામેલ હોવાની ચર્ચા છે. એસએમસીની આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની રહેમરાહ હેઠળ ચાલતા ગોરખધંધાની પોલ ખુલી ગઈ છે. હવે અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સ્થાનિક પોલીસ જાતે પગલાં લેશે કે અન્ય એજન્સીઓ જ દરોડા કરીને તેની પોલ ખોલશે તે અંગે લોકોમાં ચર્ચાઓ જાગી છે.
દરોડા દરમિયાન કાફે ચલાવનાર અબ્દુલ હમીદ શેખ (રહે. ૫૦૨, પન્ના રેસીડેન્સી, સરખેજ) તથા ત્યાં નોકરી કરતા મૂળ આસામના ૪ શખસો રિઝવાન અલી, આઈનુલ ઈસ્લામ, દિલવર હુસૈન અને માજીદ આલમ હાજર મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના ૧૦ હુક્કા, ૨,૧૫૦ રૂપિયાની ૪૩ પાઈપ, ૪૨,૦૦૦ ની કિંમતના ૨૮ હુક્કા, ૯૦૦ રૂપિયાની ૯૦ ચીલમ, ૧ ફોઈલ રોલ અને ૨ કિલો કોલસા સહિત કુલ ૬૨,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ચાંદખેડા પોલીસ મથકે જાણવાજાગ નંબર ૧૭૨/૨૦૨૬ થી નોંધ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે