અમદાવાદમાં દારૂની મહેફિલ પછી કાળમુખો અકસ્માત, એસ.પી. રિંગ રોડ ઉપર કાર ટ્રકમાં ઘૂસી, એકનું મોત નિપજયું

અમદાવાદમાં ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગ અને નશાખોરીએ એક પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવવાનો વારો આવ્યો છે. એસ પી રિંગ રોડ પર ઓગણજથી ભાડજ જતા રોડ પર વહેલી સવારે પૂરઝડપે જતી એક અર્ટિગા કાર આગળ જતી ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા ૪૨ વર્ષીય અશોકભાઈ ઢાકરેનું ઘટનાસ્થળે જ અત્યંત દર્દનાક મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

પોલીસ ફરિયાદમાં સામે આવેલી ચોંકાવનારી વિગતો મુજબ, ફરિયાદી પ્રેમ દિલીપભાઈ ભદોરિયા અને તેમના મિત્રો એકઠા થયા હતા. આ તમામ મિત્રોએ ભેગા મળીને બિયર પીધો હતો. ત્યારબાદ કાર ચાલક ભગીરથસિંહ ઝાલા મૂળ ગોધાવીનો રહેવાસી હોવાથી, તમામ મિત્રો અર્ટિગા કારમાં સવાર થઈને બાપુનગરથી ગોધાવી જવા માટે રવાના થયા હતા.

વહેલી સવારે આશરે ૩ઃ૪૫ વાગ્યાના સુમારે જ્યારે કાર ઓગણજથી ભાડજ તરફ જતા એસ.પી. રિંગ રોડ પર ગોકુલ હોટેલના કટ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે કાર ચાલક ભગીરથસિંહ ઝાલા (કાર નંબર જીજે ૧ એમટી ૦૯૨૮) પૂરઝડપે અને અત્યંત ગફલતભરી રીતે વાહન હંકારી રહ્યા હતા. તેમણે કટ પર વળાંક લેતી વખતે પોતાની તેમજ કારમાં બેઠેલા અન્ય મિત્રોની જિંદગી જાખમમાં મૂકી સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી આગળ દોડતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાવી દીધી હતી.

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ૪૨ વર્ષીય અશોકભાઈ ઢાકરેને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.પોલીસે જણાવ્યું છે કે સ્ટાફ હાલ ઘટનાસ્થળની કાયદેસરની કાર્યવાહી તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે આગળની તપાસમાં લાગેલો છે.