
અમદાવાદમાં બનાવટી દસ્તાવેજાના આધારે કાયદાકીય પ્રક્રિયાથી બચવાનો પ્રયાસ કરવાના આરોપમાં ગુજરાત એટીએસએ એક વ્યક્તિની ધરપકડ કરી છે. તપાસ મુજબ હરિકેશ પ્રણવ પટેલ સામે અગાઉ મની લોન્ડરિંગ સંબંધિત કેસ નોંધાયો હતો અને કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન તેનો અસલી પાસપોર્ટ સત્તાવાળાઓ પાસે જમા હોવા છતાં તેણે કથિત રીતે નકલી પાસપોર્ટ તૈયાર કરાવી તેનો ઉપયોગ કરીને વિદેશ પ્રવાસ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન હરિકેશ પ્રણવ પટેલ સામે મની લોન્ડરિંગ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ અને કોર્ટની કાર્યવાહી હજુ ચાલુ હોવાનું જણાવાયું છે. ગંભીર ગુનાની તપાસ દરમિયાન આરોપીનો પાસપોર્ટ જમા રાખવામાં આવ્યો હતો, જેથી તે કાયદાકીય પ્રક્રિયાને બાજુ પર રાખીને દેશની બહાર જઈ ન શકે. જોકે, તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ વ્યવસ્થા હોવા છતાં આરોપીએ કથિત રીતે અન્ય ઓળખ વિગતોનો ઉપયોગ કરીને નવો પાસપોર્ટ મેળવ્યો હતો.
ગુજરાત એટીએસની તપાસમાં એવો આરોપ સામે આવ્યો છે કે બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવતી વખતે આરોપીએ પોતાનું સરનામું પણ બદલ્યું હતું. આ બદલાયેલી વિગતોના આધારે તૈયાર થયેલા પાસપોર્ટનો ઉપયોગ કરીને તેણે વિદેશની મુસાફરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ એ ટેકનિકલ તપાસ ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી. અધિકારીઓએ પાસપોર્ટ સંબંધિત વિગતો અને આરોપીની મુસાફરી અંગેની માહિતી એકત્રિત કરી હતી.
તપાસ દરમિયાન એટીએસને એવી વિગતો મળી હતી કે જે સમયગાળા દરમિયાન આરોપી સામે મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો હતો અને તેનો મૂળ પાસપોર્ટ જમા હતો, તે સમય દરમિયાન તેણે કથિત રીતે બનાવટી પાસપોર્ટના આધારે વિદેશ પ્રવાસ કર્યો હતો. આ માહિતીના આધારે એ આરોપીની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી અને ત્યારબાદ હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી છે.
હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે બનાવટી પાસપોર્ટ તૈયાર કરવામાં આરોપીને કોણે મદદ કરી હતી અને બદલાયેલી ઓળખ તથા સરનામા સાથે દસ્તાવેજા કેવી રીતે તૈયાર થયા. સાથે જ આરોપીએ કયા દેશોમાં અને કયા હેતુસર મુસાફરી કરી હતી તેની વિગતો પણ તપાસવામાં આવી રહી છે. આ કેસમાં આગળની કાયદાકીય કાર્યવાહી દરમિયાન વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.