યાત્રાધામ ડાકોરમાં નવરાત્રીની રાત્રે લોહીયાળ ધિંગાણું, જૂથ અથડામણમાં ૧નું મોત, ૯ ઈજાગ્રસ્ત

યાત્રાધામ ડાકોરમાં નવરાત્રીની મધરાતે બે જૂથો સામસામે આવી જતાં જૂથ અથડામણ સર્જાઈ હતી. ડાકોરની સત્યમ સોસાયટી નજીક આવેલી નવી નગરી વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને પથ્થરમારો કરી બંને તરફથી તીક્ષ્ણ હથિયારો વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં એક મહિલા સહિત કુલ ૯ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં ગંભીર રૂપે ઘાયલ થયેલા એક યુવકનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યુ છે. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલિસ કાફલો ઘટની સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ નિયંત્રિત કરી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. મામલામાં બંને પક્ષના કુલ ૧૬ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાની ચૂંટણીની અદાવતે થયેલી સામાન્ય બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામસામે પથ્થરમારો અને ઘાતક હથિયારોથી હુમલો કરાયો હતો.

મળતી માહિતી મુજબ, મધરાતે થયેલી આ જૂથ અથડામણમાં તિક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનામાં ઘાયલ થયેલા તમામ ૯ લોકોને તાત્કાલિક સારવાર અર્થે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાકે, તે પૈકીના એક યુવકની હાલત અત્યંત નાજૂક હોવાથી તેને વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ રીફર કરાયો હતો. આ સિવાય અન્ય ચાર ઇજાગ્રસ્તોની સ્થિતિને જાતાં તેમને પણ વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

આ હિંસક અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સુલતાન શેખ નામના યુવકનું હોસ્પિટલ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. નવરાત્રીના પર્વ વચ્ચે બનેલી આ સંવેદનશીલ ઘટનાની ગંભીરતાને જાતાં ડાકોર પોલીસ અને ડીવાયએસપી સહિત ઠાસરાના મામલતદાર પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરિસ્થિતી વણસે નહીં તે માટે મોડી રાત્રે ખેડા જિલ્લા પોલીસ વડા પણ ડાકોર દોડી આવ્યા હતા અને તેમણે ઘટનાસ્થળની રૂબરૂ મુલાકાત લઈને સુરક્ષાની સમીક્ષા કરી હતી.

હાલમાં નવી નગરી વિસ્તારમાં એસઓજી, એલસીબી સહિતની ઉચ્ચ પોલીસ એજન્સીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં પાંચ જેટલા શકમંદોને રાઉન્ડઅપ (અટકાયત) કરી કાયદેસરની પૂછપરછ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે એસ.પી વિજય પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે મોડી રાત્રે ડાકોરમાં નવી નગરી વિસ્તાર છે ત્યાં બંને હિન્દુ-મુસ્લિમ કોમ્યુનિટીના લોકો આવાસ યોજનામાં રહે છે. ત્યાં એક દુકાન ઉપર જૂની ગઈ વર્ષની નગરપાલિકાની ચૂંટણીની અપક્ષ ઉમેદવારને વોટ આપવા બાબતની એક અદાવતમાં સામાન્ય બોલાચાલી થઈ અને એ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. જેથી બંને જૂથના લોકો સામસામે આવી અને પથ્થરમારો કર્યો અને એકબીજા ઉપર ઘાતક હથિયારથી હુમલો કર્યો. જેમાં મરણ જનાર સુલતાનભાઈ શેખને ગળાના ભાગે ધારિયાની ઈજા થતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. બંને પક્ષે આઠ-આઠ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોળ આરોપી પૈકી ૧૪ આરોપી પોલીસ કસ્ટડીમાં અથવા દવાખાનામાં સારવાર હેઠળ છે.