સંતરામપુરના ગોઠિબમાં શોપિંગ સેન્ટરની ૩૦ દુકાનો દુર કરવા મામલતદારનો આદેશ

સંતરામપુરના ગોઠિબ ગામે સરકારી પડતર સર્વે નં.-૫૭૪ ની જમીન પર ગેરકાયદે ખડકાયેલી ૩૦ જેટલી દુકાનોનુ બાંધકામ દુર કરવા મામલતદારે કલમ-૬૧ હેઠળ આકરો હુકમ કરતા દબાણકર્તાઓમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

સંતરામપુર તાલુકાના ગોઠિબ ગામે સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદે બાંધકામો સામે મહેસુલ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોઠિબ ગામના રેવન્યુ સર્વે નં.-૫૭૪ ની સરકારી જમીન પર શોપિંગ સેન્ટરમાં ૩૦ જેટલી દુકાનોના ગેરકાયદે બાંધકામ કરાયા હોવાની મામલતદાર કચેરીમાં રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ તેમજ રેવન્યુ રેકર્ડની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. રેવન્યુ તલાટી તથા સક્ષમ અધિકારીઓના અહેવાલમાં સંબંધિત જમીન સ્પષ્ટપણે સરકારી પડતર હોવાનુ બહાર આવ્યુ હતુ. કોઈપણ પ્રકારની કાનુની મંજુરી કે અધિકાર વગર સરકારી જમીન પર થયેલા આ અનઅધિકૃત બાંધકામો બાબતે ગુજરાત જમીન મહેસુલ કાયદાની કલમ-૬૧ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ અહેવાલના આધારે સંતરામપુર મામલતદાર દ્વારા ગત તા.૫ ઓકટો.-૨૦૨૫ ના રોજ સર્વે નં.-૫૭૪ ની સરકારી જમીન પર ખડકાયેલા તમામ ગેરકાયદે બાંધકામોને પોતાના ખર્ચે દુર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.