અમરેલીના અરજણસુખ ગામે મોડી રાત્રે બે યુવકો પર વન્યપ્રાણીનો હુમલો, વનવિભાગની તપાસ શરૂ

રાતનો સમય હતો અને બે યુવકો બાઈક પર પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. રસ્તો શાંત હતો, પરંતુ અચાનક રસ્તામાં સામે આવેલા વન્યપ્રાણીએ બંને યુવકો પર હુમલો કરી દીધો. હુમલાથી બંને યુવકો ગભરાઈ ગયા અને બાઈક પણ પડી ગઈ. આ સમગ્ર ઘટના બાદ અમરેલીના અરજણસુખ ગામ અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જોકે, ઘટનાસ્થળની આસપાસ સિંહનું કોઈ લોકેશન નહીં મળતાં વનવિભાગ પણ હાલ આ ઘટનાને શંકાસ્પદ માનીને તપાસ કરી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, અમરેલીના અરજણસુખ ગામે મોડી રાત્રે બે વ્યÂક્ત ઉપર વન્યપ્રાણીના હુમલાની ઘટના બની હતી. અરજણસુખ ગામથી તોરી ગામ તરફ પરત આવતા રસ્તામાં બાઈક પર સવાર બે યુવકો પર અચાનક હુમલો થયો હતો. યુવકોના કહેવા મુજબ, હુમલો સિંહણ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બંને યુવકોને ઇજા પહોંચી હતી. એક યુવકને હાથના ભાગે જ્યારે બીજા યુવકને પગના ભાગે ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા મેહુલ વાજાએ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે તેઓ નવ દિવસીય પાઠમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. મેહુલ વાજાના જણાવ્યા અનુસાર, તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે આદિપુર ગામ કે આદિપુર પાટિયાની વચ્ચે સિંહણ તેમની તરફ આવી હતી. તેમણે જણાવ્યું કે, સિંહણ તેમની સામે આવી ત્યારે તેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા અને ત્યારબાદ સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન તેમની બાઈક પણ પડી ગઈ હતી. મેહુલ વાજાએ જણાવ્યું હતું કે બાઈક પડી ગયા બાદ સિંહણ ત્યાંથી ભાગી ગઈ હતી. આ ઘટનામાં તેમને ઇજા પહોંચી હતી અને ત્યારબાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં જ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં વનવિભાગના છઝ્રહ્લ રાજન જાદવ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વનવિભાગની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના સિંહના હુમલાની હોવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં, ઘટનાસ્થળની આસપાસ સિંહનું લોકેશન મળ્યું નથી. આ કારણોસર વનવિભાગે હાલ સમગ્ર બનાવને શંકાસ્પદ ગણાવ્યો છે. ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરીને હુમલો કયા વન્યપ્રાણી દ્વારા થયો હતો અને ઘટનાની વાસ્તવિક હકીકત શું છે તે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વનવિભાગના એસીએફ રાજન જાદવે જણાવ્યું હતું કે અર્જુનસુખ ગામ, કુક વાવ તાલુકા વિસ્તારમાં હાલમાં તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે વનવિભાગની ટીમ હાલ સ્થળ પર સક્રિય છે અને સમગ્ર બનાવની તપાસ કરવામાં આવી રહી છે.રાજન જાદવે વધુમાં જણાવ્યું હતું કે, મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી, વન્યજીવ પાલિતાણા વતી હાલ સ્થળ પર વનવિભાગની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે. સમગ્ર બનાવ અંગે તપાસ પૂર્ણ થયા બાદ જે હકીકત સામે આવશે તેની વિગતવાર માહિતી આપવામાં આવશે.