૩ હજાર કરોડના ડ્રગ્સ કેસમાં પાંચેય આરોપીના મેટ્રો પોલિટીન કોર્ટે ૧૩ ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર કર્યા

ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ડ્રગ્સના મોટા જથ્થા મામલે ધરપકડ કરાયેલા પાંચેય આરોપીઓને આજે મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એટીએસ દ્વારા આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓના ૧૩ ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ કેસમાં મોહમ્મદ યાકુબ બલુચી, શકિરુલ્લાહ, ફરીદુલ્લાહ, અહમદ ખાન અને વાહીદુલ્લાહ ખાનની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ડ્રગ્સના આ કન્સાઇનમેન્ટ પાછળ રહેલા સમગ્ર નેટવર્કની તપાસ કરવા માટે આરોપીઓની વિગતવાર પૂછપરછ જરૂરી છે.

રિમાન્ડ દરમિયાન એટીએસ દ્વારા ખાસ કરીને પાકિસ્તાન સાથે જોડાયેલી કડી અંગે તપાસ કરવામાં આવશે. ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ ક્યાથી આવ્યું, પાકિસ્તાનમાં કોણે તેની વ્યવસ્થા કરી હતી અને આરોપીઓનો પાકિસ્તાનમાં રહેલા અન્ય લોકો સાથે સંપર્ક કેવી રીતે થયો હતો તે અંગે પૂછપરછ કરવામાં આવશે.

આ ઉપરાંત, બોટ ઈરાનથી લોડ કરવામાં આવી હોવા અંગે પણ તપાસ કરવામાં આવશે. ઈરાનમાંથી ડ્રગ્સનો જથ્થો બોટમાં કોણે ચડાવ્યો, કન્સાઇનમેન્ટ કોના કહેવાથી મોકલવામાં આવ્યું અને સમગ્ર વ્યવહારમાં કોણ કોણ સંકળાયેલું હતું તે અંગે એટીએસ માહિતી મેળવશે.

તપાસમાં એ પણ મહત્વનું છે કે ડ્રગ્સનો આ જથ્થો તામિલનાડુની થેલાપતિ બોટને કન્સાઇનમેન્ટ તરીકે આપવાનો હતો. આ બોટ સુધી ડ્રગ્સનો જથ્થો કેવી રીતે પહોંચાડવાનો હતો અને ત્યારબાદ તેની ડિલિવરી ક્યાં કરવાની હતી તે અંગે પણ આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.

આ સમગ્ર કાવતરામાં અન્ય બે વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ એટીએસ તપાસ કરશે. પાંચ આરોપીઓ ઉપરાંત ડ્રગ્સના કન્સાઇનમેન્ટ પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે સંગઠિત નેટવર્ક સંકળાયેલું છે કે નહીં તે અંગે તપાસ આગળ વધારવામાં આવશે.

ડ્રગ્સના કન્સાઇનમેન્ટના બદલામાં થયેલા નાણાકીય વ્યવહારો અને હવાલા મારફતે થયેલી લેવડ-દેવડ અંગે પણ તપાસ કરવામાં આવશે. આરોપીઓને આ કન્સાઇનમેન્ટ માટે કેટલી રકમ મળવાની હતી, અગાઉ કોઈ ચુકવણી થઈ હતી કે નહીં અને નાણાંનો વ્યવહાર કયા માધ્યમથી કરવામાં આવ્યો હતો તે અંગે એટીએસ વિગતો મેળવશે. સાથે જ, આરોપીઓની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ કોના કહેવાથી સપ્લાય કરવાનું હતું અને કન્સાઇનમેન્ટ કોને પહોંચાડવાનું હતું તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત, આરોપીઓએ અગાઉ પણ આ પ્રકારનું કોઈ કન્સાઇનમેન્ટ મોકલ્યું હતું કે નહીં અને અગાઉની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે તેમની કડી છે કે નહીં તેની પણ તપાસ થશે.

આરોપીઓને ડ્રગ્સના આ સમગ્ર વ્યવહારમાં કેટલો નાણાકીય લાભ મળવાનો હતો અને ડ્રગ્સના આંતરરાષ્ટÙીય નેટવર્કમાં તેમની ચોક્કસ ભૂમિકા શું હતી તે પણ એટીએસની તપાસનો મહત્વનો ભાગ રહેશે.

સરકારી વકીલ પી.આર. જાશીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે સમગ્ર ડ્રગ્સ કન્સાઇનમેન્ટની કડી શોધવા માટે આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. ખાસ કરીને ડ્રગ્સનો સ્ત્રોત, સપ્લાય કરનાર વ્યક્તિઓ, કન્સાઇનમેન્ટ મેળવનાર લોકો, નાણાકીય વ્યવહારો અને અન્ય કાવતરાખોરોની ભૂમિકા અંગે તપાસ કરવાની જરૂરિયાત છે.મેટ્રો કોર્ટ સરકારની રજૂઆત ધ્યાને રાખી ૧૩ ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.