
એક બહેનને બચાવવા પાણીમાં ઉતરેલી બીજી બહેન પણ મોતના મુખમાં સમાઈ; માતા અમદાવાદમાં મજૂરી કરતી રહી અને અહીં બે દીકરીઓએ દુનિયા છોડી દીધી.
ઝાલોદના રામસાગર તળાવ ખાતે આજે સવારે બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ઝાલોદને હચમચાવી દીધું છે. કપડાં ધોવા માટે તળાવ પર ગયેલી બે સગી બહેનો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતાં બંનેના કણ મોત નીપજ્યા હતા. માત્ર ૧૩ અને ૧૦ વર્ષની ઉંમરે બંને બહેનોએ એકસાથે દુનિયા છોડી દેતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી મુજબ, રામસાગર તળાવ ખાતે બંને બહેનો કપડાં ધોઈ રહી હતી. દરમિયાન એક બહેન અચાનક પાણીમાં ખેંચાઈ જતાં તેને બચાવવા બીજી બહેન પણ પાણીમાં ઉતરી હતી. પરંતુ પળવારમાં બંને બહેનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. બહેનોને પાણીમાં ડૂબતી જોઈ તળાવ પર બૂમરાણ મચી ગઈ હતી અને ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ઝાલોદ ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક રામસાગર તળાવ ખાતે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ જીવના જોખમે તળાવમાં ઉતરી શોધખોળ હાથ ધરી બંને બહેનોને પાણીમાંથી બહાર કાઢી હતી. જોકે, બંને બહેનોનું મોત નીપજ્યું હોવાનું સામે આવતા ખુશીઓથી ભરેલા પરિવારના ઘરમાં એક સાથે માતમ છવાઈ ગયો હતો.
માતા અમદાવાદમાં મજૂરી કરતી રહી… અહીં બે દીકરીઓએ અંતિમ શ્ર્વાસ લીધા : મૃતક રાધિકાબેન ભાવસિંગભાઈ માલ ઉંમર ૧૩ વર્ષ અને નંદિનીબેન ભાવસિંગભાઈ માલ ઉંમર ૧૦ વર્ષ, બંને ઝાલોદના ટીંબા વિસ્તારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. નંદિનીબેન ધોરણ-૩માં બોનીબેન ક્ધયાશાળામાં અભ્યાસ કરતી હતી.
પરિવારમાં પાંચ બહેનો અને એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. એક બહેનના લગ્ન થઈ ચૂક્યા હોવાથી માતા સાથે ચાર બહેનો અને એક ભાઈ રહેતા હતા. પરિવારનું ગુજરાન ચલાવવા માતા અને ભાઈ અમદાવાદ ખાતે મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવના સમયે માતા અમદાવાદમાં મજૂરી કામે હતી, જ્યારે ભાઈ પણ મજૂરી માટે જતો હતો. બંને બહેનોના મોતના સમાચાર મળતાં ભાઈ લુણાવાડાથી તાત્કાલિક પરત ફર્યો હતો. પોતાની લાડકી બહેનોને ગુમાવ્યાના આઘાતથી પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.
બે બહેનોની એકસાથે થયેલ મોતને લઈ સૌની આંખો ભીંજાઈ : જે બે બહેનો સાથે રમતી, હસતી અને પરિવારના આંગણામાં કિલકારીઓ ગુંજાવતી હતી, તેમના અચાનક મોતથી પરિવાર નિ:શબ્દ બની ગયો છે. એક બહેનને બચાવવાની કોશિશમાં બીજી બહેન પણ મોતને ભેટી જતા આ કણ ઘટનાએ સૌના હૃદય હચમચાવી દીધા છે. ઘટનાની જાણ થતાં ટીંબા વિસ્તાર સહિત ઝાલોદમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઝાલોદ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.