
ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં રસ્તાની બાજુમાં પોલીસ ચોકીમાં એક આત્મઘાતી બોમ્બરે હુમલો કર્યો. તેમાં ૧૩ લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા ૩૫ લોકો ઘાયલ થયા. પ્રાંતીય કટોકટી સેવાના પ્રવક્તા બિલાલ ફૈઝીએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી ભરેલા વાહનનો હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં થયો હતો. સ્થાનિક પોલીસ વડા સફદર બલોચે જણાવ્યું હતું કે મૃતકો અને ઘાયલોમાં મોટાભાગના સુરક્ષા કર્મચારીઓ અને રાહદારીઓ હતા. વિસ્ફોટથી એક મુખ્ય ચેકપોઇન્ટ નાશ પામ્યો હતો, અને પ્રત્યક્ષદર્શીઓએ હુમલા પછી ગોળીબારનો અવાજ સાંભળ્યો હોવાનો અહેવાલ આપ્યો હતો.
ફૈઝીએ જણાવ્યું હતું કે જ્યારે ઇમરજન્સી ટીમો પીડિતોને નજીકની હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી ત્યારે બંદૂકધારીઓએ એમ્બ્યુલન્સ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક બચાવ કાર્યકરનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા. તેમણે કહ્યું હતું કે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં બે મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. પાકિસ્તાની તાલિબાન, જેને સત્તાવાર રીતે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા ટીટીપી તરીકે ઓળખવામાં આવે છે, તેણે હુમલાની જવાબદારી સ્વીકારી છે.
તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં ઉગ્રવાદી હિંસામાં વધારો થયો છે,ટીટીપી અને પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મીએ આમાંના મોટાભાગના હુમલાઓની જવાબદારી લીધી છે. બલૂચ લિબરેશન આર્મી એક અલગતાવાદી જૂથ છે જે મુખ્યત્વે પડોશી બલૂચિસ્તાન પ્રાંતમાં સક્રિય છે.પાકિસ્તાનના રાષ્ટÙપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શાહબાઝ શરીફે હુમલાની નિંદા કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ઝરદારીએ નાગરિકો અને સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવવાને “અત્યંત નિંદનીય” ગણાવ્યું હતું અને પાકિસ્તાની તાલિબાન સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ જૂથ વિદેશી સમર્થનથી “ઘૃણાસ્પદ અને બર્બર કૃત્યો” કરી રહ્યું છે. પાકિસ્તાની અધિકારીઓ વારંવાર અફઘાન તાલિબાન સરકાર પર ટીટીપીના સભ્યોને અફઘાન પ્રદેશમાંથી કામ કરવાની મંજૂરી આપવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે કાબુલને સરહદ પારના હુમલા બંધ કરવાની માંગ કરી છે. જાકે, અફઘાન અધિકારીઓ એ વાતનો ઇનકાર કરે છે કે તેઓ તેમના પ્રદેશનો ઉપયોગ અન્ય દેશો સામે હુમલા માટે કરવાની મંજૂરી આપે છે.