ગોધરામાં પાલિકાની સાફસફાઈ અને જાળવણીના અભાવે લાખોના ખર્ચે બનેલ દાદા-દાદી પાર્ક ખંડેર હાલતમાં ફેરવાયો

ગોધરા શહેરમાં સફાઈ અને બગીચાઓની જાળવણીને લઈને નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના બાવાની મઢી સામે આવેલ દાદા-દાદી પાર્ક હાલ ગંદકી અને અવ્યવસ્થાના કારણે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. લાખો ‚પિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ બગીચાની યોગ્ય જાળવણી અને નિયમિત સફાઈના અભાવે અહિં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ દાદા-દાદી પાર્કમાં લાંબા સમયથી નિયમિત સફાઈ કરવામાં આવી નથી. જેના કારણે બગીચાના વિવિધ વિસ્તારોમાં કચરો એકઠો થઈ ગયો છે. પવન ફુંકાતા કચરાના ઢગલાઓમાંથી દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહિશો તેમજ નજીકના દુકાનદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બગીચામાં નાના બાળકો માટે લાખો ‚પિયાના ખર્ચે મુકવામાં આવેલા વિવિધ હિંચકા અને રમત-ગમતના સાધનો પણ યોગ્ય જાળવણીના અભાવે તુટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. બગીચો લોકો માટે આરામ અને મનોરંજનનુ સ્થળ બનવાને બદલે હાલ ગંદકી અને અવ્યવસ્થાના કારણે ઉપયોગ લાયક રહ્યો ન હોવાની ફરિયાદો ઉઠી છે. રાજય સરકાર દ્વારા શહેરોમાં બગીચા અને જાહેર સ્થળોના વિકાસ માટે લાખો-કરોડો ‚પિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેથી નાગરિકોને સ્વચ્છ અને સુંદર વાતાવરણ મળી શકે. પરંતુ ગ્રાન્ટથી બગીચો બનાવ્યા બાદ તેની નિયમિત જાળવણી નહિ થાય તો સરકારી નાણાંનો હેતુ જ નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોએ એવો પણ આક્ષેપો કર્યો છે કે, નગરપાલિકાના સભ્યોના જન્મદિવસ જેવા પ્રસંગોએ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ જાહેર બગીચાઓની નિયમિત સફાઈ અને જાળવણી તરફ પુરતુ ધ્યાન આપવામાં આવતુ નથી. માત્ર ફોટા પુરતી સફાઈ કામગીરી થતી હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. હવે નગરપાલિકા તંત્ર દ્વારા દાદા-દાદી પાર્કમાં સફાઈ કરાવે, તુટેલા હિંચકા અને સાધનોની મરામત કરે તેમજ બગીચાની નિયમિત જાળવણી માટે કાયમી વ્યવસ્થા કરે તેવી સ્થાનિકોની માંગ છે.