સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ મોરબીમાં સૌથી વધુ સાડા ૮ ઈંચથી વધુ ખાબકયો, સુરેન્દ્રનગરમાં જળબંબાકાર

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘાએ ભારે ધબધબાટી બોલાવતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મૂશળધાર વરસાદથી ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યના ૨૫૭ તાલુકાઓમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ મોરબીમાં ૮.૭૮ ઈંચ નોંધાયો છે. આ ઉપરાંત ટંકારામાં ૭.૬૪ ઈંચ અને હળવદમાં સાડા છ ઈંચ વરસાદ ખાબકયો હતો. મોરબીમાં નદી-નાળા અને લોકાયરા ઉભરાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે ઘોડાપૂરની પરિસ્થિતિમાં ફસાયેલા ૫ જેટલા લોકોનું બોટની મદદથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદે વિરામ લીધા વિના તોફાની બેટિંગ કરી છે. ધ્રાંગધ્રામાં ૭ ઈંચ જેટલો આફતનો વરસાદ વરસતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ જેટલા મુખ્ય અને આંતરિક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે. લખતર સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા કેટલાક ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યા હતા. ઉપરવાસમાં સારા વરસાદથી વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમ અને ધ્રાંગધ્રાનું ઐતિહાસિક રણમલ તળાવ ઓવરફ્લો થઈ ગયા છે.

૨૫ તાલુકામાં ૩થી ૬ ઈંચ વરસાદ, ૧૦૨ તાલુકામાં ૧થી ૨ ઈંચ વરસાદ અને બાકીના તાલુકાઓમાં ૧ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આજે (૨ ઓગસ્ટ) સવારે ૬થી ૮ વાગ્યા સુધીના બે કલાકમાં જ કપરાડા, ઉમરપાડા, માણાવદર અને જેતપુર પાવી સહિત ૪૪ તાલુકાઓમાં ૧ મિમીથી લઈને અડધા ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ ચુક્યો છે.

શનિવારે ખાબકેલા વરસાદથી માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ તારાજીના અેંધાણ વર્તાયા છે. સુરત ખાડીપૂરની સ્થિતિ પુનરાવર્તિત થતાં સણીયા હેમાદ વિસ્તારમાં જળબંબાકાર થયો છે. જ્યારે નવસારી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ઊંઝા અને વડોદરા શહેરમાં પણ ભારે વરસાદના કારણે નીચાણવાળા સોસાયટી-વિસ્તારોમાં પાણી ભરાવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના પગલે તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.