સંખેડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક ડોકટર તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા પુરી પાડવા માટે સંખેડાના સામાજીક કાર્યકર અને વકીલ જયેશભાઈ રોયે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે. મુખ્યમંત્રીને કરાયેલી આ લેખિત રજુઆત મુજબ સંખેડા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક ડોક્ટરની જરૂરિયાત છે.
પરંતુ અકારણોસર ઘણા વર્ષોથી ગાયનેક ડોકટરની નિમણુક સામુહિક આરોગ્ય કેન્દ્ર સંખેડા ખાતે કરવામા આવેલ નથી. સાથે સેખેડા તાલુકામા 118 ગામ આવેલા છે. તેમાં 65 ટકાથી વધારે વસ્તી આદિવાસી સમાજની છે. સંખેડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોનોગ્રાફી મશીનની સુવિદ્યા પણ નથી. દર મહિને અહીંયા મોટી સંખ્યામાં પ્રસૃતી થાય છે.
મહિલાને જ્યારે પ્રસૃતીની પીડા ઉપડે ત્યારે ડભોઇ, બોડેલી કે વડોદરા સુધી તાત્કાલિક દોડવું પડે છે. સંખેડા ખાતે અત્યાધુનિક સુવિધા સાથેની રેફરલ હોસ્પિટલ છે. આ વિસ્તારમાં એકેય ગાયનેક ડોકટર ન હોઈ સત્વરે કાયમી ધોરણે ગાયનેક ડોક્ટરની સુવિધા પૂરી પાડવા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા પૂરી પાડવા માટે આ રજુઆત કરાઈ છે.
કરાર આધારિક ગાયનેક ડોક્ટર ગયા બાદ કોઈને અહીં મુકાયા નથી અગાઉ સંખેડા રેફરલ હોસ્પિટલમાં કરાર આધારિત ગાયનેક ડોકટર હતા. તેઓ અહીંયા હતા ત્યારે તેમની સુવિધાનો લાભ સંખેડા તાલુકાને મળતો હતો. પણ તેમનો કરાર પૂરો થયા બાદ અહીંયા નવા ન તો કરાર આધારિત કે ન તો કાયમી ગાયનેક ડોકટર મુકાયા.
પ્રસૃતી વેળાએ પડતી મુશ્કેલી નિવારી શકાય સંખેડા રેફરલ હોસ્પિટલમાં ગાયનેક ડોકટર ન હોવાના કારણે ડભોઇ, બોડેલી કે વડોદરા સુધી લાંબા થવાનો વારો આવે છે. મોટા નગર શહેરમાં પ્રસૃતીનો ખર્ચ પણ ઘણો વધી જતો હોય છે. પણ જો સંખેડામાં ગાયનેક ડોકટર મુકાય તો પ્રસૃતી વેળાએ પડતી મુશ્કેલી નિવારી શકાય. નિયમિત ચેકઅપ માટે સોનોગ્રાફી મશીનની પણ આવશ્યકતા રહે છે.