મહીસાગરમાં ગૌરક્ષાના નામે દાદાગીરીનો આક્ષેપ: પિકઅપ વાનના ડ્રાઈવર સાથે મારપીટ અને રૂ. 70 હજાર લૂંટ્યાની ડ્રાઈવર નો આક્ષેપો કરવામાં આવ્યા 

મહીસાગર જીલ્લાના સંતરામપુરથી મોડાસા તરફ ભેંસો લઈ જઈ રહેલી એક પિકઅપ વાનના ડ્રાઈવર સાથે કેટલાક અજાણ્યા શખ્સોએ ગૌરક્ષાના નામે મારપીટ કરી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ડ્રાઈવરના જણાવ્યા મુજબ, આશરે ૬થી ૭ વ્યક્તિઓએ માધવાસ પાસે મહીસાગર નદીના બ્રિજ નજીક તેની ગાડી રોકી હતી.

ડ્રાઈવરનો આક્ષેપ છે કે, આરોપીઓએ તેને જબરદસ્તી વાહનમાંથી બહાર ખેંચી કાઢ્યો અને ભેંસોને કતલખાને લઈ જવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરીને મારપીટ શ‚ કરી હતી. ત્યારબાદ તેને ખાનપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હોવાનું પણ તેણે જણાવ્યું છે.

ડ્રાઈવરના જણાવ્યા મુજબ, મારપીટ દરમિયાન તેના ખિસ્સામાં રહેલા અંદાજે ‚.૭૦ હજાર પણ લૂંટી લેવામાં આવ્યા હતા. જોકે, આ લૂંટના આક્ષેપ અંગે પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ સમગ્ર ઘટનાને લઈને પ્રશ્નો ઊભા થયા છે કે કાયદો પોતાના હાથમાં લઈને રસ્તા પર વાહનો રોકી તપાસ કરવાનો અધિકાર આવા લોકોને કોણે આપ્યો? જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિની શંકા હોય તો તેની જાણ પોલીસને કરવી જોઈએ, પરંતુ જાતે કાર્યવાહી કરીને મારપીટ અથવા દાદાગીરી કરવી કાયદેસર નથી.

સ્થાનિકોમાં પણ માંગ ઉઠી રહી છે કે, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો મારપીટ, લૂંટફાટ અથવા અન્ય કોઈ ગેરકાયદેસર કૃત્ય થયું હોય તો જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

નોંધ: ઉપરોક્ત વિગતો ડ્રાઈવરના આક્ષેપો પર આધારિત છે. ઘટનાની સત્તાવાર પોલીસ તપાસ અને નિવેદન બાદ હકીકતો વધુ સ્પષ્ટ થશે..