રાજસ્થાનના ઉદયપુર નજીક સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ભાભર તાલુકાના ત્રણ લોકોના મોત

રાજસ્થાનના ઉદયપુર નજીક સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠાના ભાભર તાલુકાના ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત થયા છે. ઠાકોર સમાજના આ ત્રણ આશાસ્પદ યુવાનોના અકસ્માતમાં મોત નિપજતાં સમગ્ર ભાભર તાલુકામાં અને તેમના ગામોમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના ઉદયપુર નજીક સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ભાભર તાલુકાના ત્રણ લોકોના મોત થયા છે, આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે પથ્થરો ભરીને જઈ રહેલા એક ટ્રકે કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવનાર ટ્રકે અન્ય એક ટ્રક સહિત કુલ ૬ વાહનોને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે ટ્રકમાં રહેલા મોટા પથ્થરો નીચેના અનેક વાહનો પર પડ્યા હતા. આ અકસ્માતમાં એક કારમાં સવાર એક મહિલા અને એક બાળક પથ્થરો નીચે દબાઈને ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે.

અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણ યુવાનો ભાભર તાલુકાના ઠાકોર સમાજના છે, જેમની ઓળખ અરવિંદજી ઠાકોર (મેરા ગામ), વિક્રમજી ઠાકોર (અબાસણા ગામ) અને પ્રકાશજી ઠાકોર (ભીમબોરડી ગામ)ના રૂપમાં થઈ છે. આ ત્રણ યુવાનો ઉપરાંત અકસ્માતમાં અન્ય કેટલાક લોકોના પણ મોત થયા હોવાના અહેવાલો છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ભાભરના ઠાકોર સમાજના ત્રણ યુવકોના મોતની ખબર મળતાં જ બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરે ટ્વીટ કરીને ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી. આ કરૂણ ઘટનાથી ભાભર તાલુકાના ઠાકોર સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.