સુરત નાસીરનગર ડિમોલિશન કેસઃ હાઈકોર્ટના રાજ્ય સરકાર અને પોલીસને આકરા સવાલ

સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદિત ડિમોલિશન કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે ખાસ કરીને એફઆઇઆર નોંધવામાં થયેલા વિલંબ, તપાસની ગતિ અને રાજ્ય સરકારની ભૂમિકા અંગે કડક ટિપ્પણીઓ કરી હતી.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ડિમોલિશનની તપાસ માટે રચાયેલી ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતાવાળી તપાસ સમિતિ અંગે પણ સવાલ ઉઠાવ્યો. કોર્ટે પૂછ્યું કે આટલા ગંભીર મામલામાં રાજ્ય સરકાર કેમ સક્રિય નથી અને માત્ર સ્થાનિક અધિકારીઓ પર જ જવાબદારી કેમ મૂકવામાં આવી છે. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી કે તપાસ સમિતિનો અહેવાલ મામલો દબાવવાનો પ્રયાસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે.

હાઈકોર્ટે પોલીસને પૂછ્યું કે ઘટનાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી એફઆઇઆર કેમ નોંધવામાં આવી નથી. કોર્ટે જણાવ્યું કે માત્ર તપાસ ચાલુ હોવાની દલીલ પૂરતી નથી. જા કોઈનું ઘર તોડી પાડવામાં આવ્યું હોય તો તે ફોજદારી ગુનો બની શકે છે અને તેની ગંભીરતાથી તપાસ થવી જાઈએ.

સુનાવણી દરમિયાન કોર્ટે પ્રાથમિક અવલોકનમાં જણાવ્યું કે આ ઘટના પ્રથમદર્શી રીતે ગેરકાયદે ડિમોલિશન હોવાનું જણાય છે. સાથે જ કોર્ટે અરજદારોને દબાણકર્તા ગણાવવાનું યોગ્ય નથી હોવાનું જણાવ્યું અને અસરગ્રસ્ત લોકોને મૂળ સ્થળે અથવા અન્ય યોગ્ય સ્થળે પુનર્વસન માટે યોજના રજૂ કરવાની સૂચના આપી.

આ મામલે કુલ ૨૬ અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર,એસઓજીના ડીસીપી સંબંધિત બિલ્ડર, પોલીસ અધિકારીઓ, એસએમસીના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

અગાઉની સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ સમક્ષ રજૂઆત ૧ જૂને નહીં પરંતુ ૧૦ જૂને કરવામાં આવી હતી. અરજી પહેલા સુરત પોલીસ જનરલ રજિસ્ટ્રીમાં નોંધાઈ હતી, ત્યારબાદ ડીસીપી ઝોન-૩ અને પછી પીઆઇ ચોકબજાર પોલીસ સ્ટેશનને મોકલવામાં આવી હતી. રાજ્ય પક્ષે કોર્ટને માહિતી આપી હતી કે તપાસ ચાલુ છે અને અત્યાર સુધીમાં ૧૦થી વધુ પોલીસ કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

હાઈકોર્ટની કડક ટિપ્પણીઓ બાદ હવે રાજ્ય સરકાર, પોલીસ અને સંબંધિત તંત્ર આગામી સુનાવણીમાં શું જવાબ આપે છે અને અસરગ્રસ્તોના પુનર્વસન અંગે શું યોજના રજૂ કરે છે તેના પર સૌની નજર રહેશે.