
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૩૧મી માર્ચે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓએ ગાંધીનગરના કોબામાં જૈન હેરિટેઝ મ્યુઝિયમ અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ હાલ તેઓ ગુજરાતના નવરચિત જિલ્લા વાવ-થરાદની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીને સાંભળવા મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જામ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ રૂ. ૧૯,૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું છે.
મોદીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા જ ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થઈ, જેથી મા અંબાની કૃપાથી અહીં આવવાનો મોકો મળ્યો અને આજે પવિત્ર મહાવીર કલ્યાણક દિવસની શુભકામના. પહેલીવાર મારું વિમાન સીધું ડીસા એરબેઝ પર લેન્ડ થયું એ ગર્વની વાત છે. આ એરપોર્ટ આંતરરાષ્ટીય સરહદથી ૧૩૦ કિમી દૂર છે, જે દેશની સુરક્ષા માટે મહવનો ભાગ ભજવે છે. ડીસામાં એરબેઝ હોવું જરૂરી હતું પરંતુ, તે સમયે દિલ્હીમાં રાજ કરનારાઓને ગુજરાતીઓ સાથે નફરત હતી, જેથી લાંબા સમય સુધી ડીસા એરબેઝની ફાઈલ દબાઈ ગઈ હતી. તે મેં ખોલી કરાવી અને આજે આ ક્ષેત્રના વિકાસથી ડીસાનો વિકાસ થયો છે.
વધુમાં તેઓએ ઉમેર્યું કે, આ વિસ્તારમાં એક સમયે પાણીની અછતને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતી હતી. મા-બહેન-દીકરીઓને ૪-૫ કિમી દૂર જઈને પાણી લેવા જવું પડતું હતું, પરંતુ અમે નર્મદાનું પાણી ગામ ગામ સુધી પહોંચ્યું. જેના કારણે ખેડૂતોનો વિકાસ થયો છે, જેથી જ ડીસાના બટેટા દેશમાં વખણાય છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે કોરિડોર આ ક્ષેત્રને સમર્પિત છે. આ વિકાસથી ઉદ્યોગ અને રોકાણ વધ્યું, રોજગારી વધી છે. હિંમતનગર-ખેડબ્રહ્મા ગેસ કન્વર્ઝન અને આજે હિંમતનગર-અસરવા ટ્રેન સેવા શરૂ થઈ આ બધો વિકાસ ૨૦૧૪ બાદ ડબલ એન્જીનની સરકારે કરી છે.